
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે યુવતીના મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચાર્યું હતું. યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ રાજકોટમાં કોઈ અન્ય છોકરી સાથે સગાઈ કરી લીધી હતી. જે અંગે યુવતીને જાણ થતા યુવતીએ યુવક વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરમાં રહેતી 21 વર્ષની યુવતી અભ્યાસ માટે નવરંગપુરા વિસ્તારમાં કેટલાક સમયથી રહેતી હતી. યુવતી ગત વર્ષે જ્યારે ઘરે ગઈ હતી ત્યારે યુવતીના મમ્મીના માસીના દીકરાનો દીકરો જય યુવતીના ઘરે રહેતો હતો. યુવતી જ્યારે અમદાવાદ પરત આવી ત્યારે જયે યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. યુવતી સાથે અવારનવાર વાતચીત કરીને જયે કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. જેથી યુવતી જયની વાતોમાં આવી ગઈ હતી. 11 ઓગસ્ટના રોજ યુવતીનો જન્મદિવસ હોવાથી તેને મળવા જય અમદાવાદ આવ્યો હતો.
ઓગસ્ટ,સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં જય અવારનવાર અમદાવાદ આવતો હતો. આ દરમિયાન જયે યુવતીને નવરંગપુરાની એક હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.થોડા સમયમાં યુવતી તેના ઘરે જતી રહી હતી. યુવતી ઘરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે જયની રાજકોટમાં કોઈ છોકરી સાથે સગાઈ થઈ ગઈ છે. જેથી યુવતીએ જયને ફોન કર્યો ત્યારે જયે કહ્યું હતું કે આ વાત ભૂલી જા. આ અંગે યુવતીએ તેના મમ્મી પપ્પા અને મામાને વાતચીત કરી હતી. જે બાદ યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.