
રાજ્યના ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપતા કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 1500થી વધુ કર્મચારીઓને એક સાથે છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે, જે 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કર્મચારીઓમાંથી મોટા ભાગના છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટ પર સતત સેવા આપી રહ્યા હતા. જેમાં VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટ્રપ્રિન્યોર), ડિસ્ટ્રિક્ટ લેવલ એક્ઝિક્યુટિવ તેમજ તાલુકા લેવલ એક્ઝિક્યુટિવનો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓ મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં 15મા નાણાં પંચની કામગીરી, સરકારી યોજનાઓની ડિજિટલ એન્ટ્રી તથા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા સરકારના વિવિધ લાભો ગ્રામજનો સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવતું હતું. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય અચાનક લેવાયો હોવાને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોટ્સએપ મેસેજ મારફતે છૂટા કરવાની જાણ કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી વધુ વધી છે.
આ મામલે હવે કર્મચારીઓ સંગઠિત થઈને મંગળવાર, 27 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવનમાં પોતાની રજૂઆત કરવા જવાના છે. કર્મચારીઓની માંગ છે કે વર્ષોથી આપેલી સેવાઓને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય નિર્ણય લે અને તેમના રોજગારનું સંરક્ષણ કરે. આ સમગ્ર મુદ્દે સરકાર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ અધિકૃત પ્રતિભાવ આવ્યો નથી, પરંતુ આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવાની શક્યતા છે.