
માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કામગીરીને સુલભ બનાવવા અને પ્રજાજનોને પોલીસ મદદ માટે દૂર ન જવું પડે તે હેતુથી અંબોડ ગામે હાઈવે પર નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીના હસ્તે આ ચોકી ખુલ્લી મુકાઈ હતી.
આ પોલીસ ચોકીના નિર્માણ પાછળ અંદાજે ₹11 લાખનો ખર્ચ થયો છે. આ સંપૂર્ણ ખર્ચ અંબોડ નિવાસી સ્વ. જીતેન્દ્રસિંહ બાબુસિંહ ચાવડાના પુત્રો પૃથ્વીરાજસિંહ ચાવડા અને ધર્મજીતસિંહ ચાવડા દ્વારા પોતાના પિતાની યાદમાં કાયમી સંભારણું બની રહે તે હેતુથી ઉઠાવવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ બંને દાતા બંધુઓનો તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે માણસાના અંબોડ ગામે હાઈવે પર બનેલી આ પોલીસ ચોકીથી પ્રજાજનોને પોતાની ફરિયાદ નોંધાવવા કે પોલીસ મદદ મેળવવામાં સુગમતા રહેશે.
આ પ્રસંગે માણસા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એસ. ડામોર, પોલીસ સ્ટાફના સભ્યો અને અંબોડ તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.