
રાજ્યમાં ફેલાયેલી વિશાળ ઓવરહેડ વીજલાઇન વ્યવસ્થા જાળવવી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે ખર્ચાળ અને જોખમી કાર્ય છે. પરંપરાગત રીતે આ કામગીરી માનવીય શ્રમ પર આધારિત હોય છે અથવા મોંઘા ઇન્ડસ્ટ્રીયલ ડ્રોન દ્વારા કરવામાં આવે છે, જેની બેટરી ક્ષમતા મર્યાદિત હોય છે. આ પડકારને ઉકેલવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના બે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ એક નવીન, ઓછી કિંમતનો રોબોટ વિકસાવ્યો છે.
મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના અંતિમ વર્ષના બીટેક વિદ્યાર્થીઓ નીખિલ કુમાર લાલ અને માનસ કલાલે આ પ્રોજેક્ટ એક સામાન્ય કોર્સ અસાઇનમેન્ટ તરીકે શરૂ કર્યો હતો, જેમાં વાસ્તવિક સમસ્યાનો ઉકેલ આપતો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. સંશોધનમાં જાણવા મળ્યું કે વીજગૃહમાં થતા લગભગ 30 ટકા નુકસાન લાઇન ફેલ્યોરના કારણે થાય છે, જેમાંથી મોટાભાગ જૂની અને ખામીયુક્ત લાઈનોને કારણે થાય છે.
ડ્રોન કે માનવીય તપાસને બદલે વિદ્યાર્થીઓએ વીજતારને જ માર્ગ તરીકે ઉપયોગ કરવાનો વિચાર કર્યો. IITGNના ટિન્કરર્સ લેબમાં તૈયાર કરાયેલા આ રોબોટ ઊંચી વોલ્ટેજ લાઈનો પર સ્વયંચાલિત રીતે આગળ વધી શકે છે. થર્મલ અને વિઝ્યુઅલ કેમેરાથી સજ્જ આ રોબોટ ગરમીના હોટસ્પોટ અને નાની તીરાડોને ઓળખી શકે છે.
ડૉ. મધુ વડાલી, આઈઆઈટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દસ મહિના સુધીના સતત સુધારાઓ પછી આ પ્રોજેક્ટ તૈયાર થયો. માત્ર રૂ. 15,000ના ખર્ચે બનેલો આ રોબોટ ભવિષ્યમાં રૂ. 3–4 લાખમાં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે, જે ડ્રોન આધારિત પદ્ધતિ કરતા લગભગ 90 ટકા સસ્તો છે. ઇન્ફિનિયન ટેકનોલોજીસ અને હ્યુન્ડાઈ મોટર ગ્રુપની CSR સહાયથી હવે ટીમ વાસ્તવિક પરીક્ષણ અને વ્યાવસાયિકીકરણ તરફ આગળ વધી રહી છે, જે વિદ્યાર્થી નેતૃત્વવાળી નવીનતાની શક્તિને દર્શાવે છે.