
ગાંધીનગર–અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ–2નું વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન થયા બાદ નવા શરૂ થયેલા પાંચ મેટ્રો સ્ટેશનો પર મુસાફરોનો પ્રતિસાદ ઉત્સાહજનક રહ્યો છે. ઉદ્ઘાટન બાદના માત્ર એક સપ્તાહમાં જ વિક્રમી સંખ્યામાં મુસાફરો નોંધાયા છે. મેટ્રો તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા મુજબ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2026 દરમિયાન નવા પાંચ સ્ટેશનો પર કુલ 37,259 મુસાફરો નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન પ્રતિદિન સરેરાશ 5,323 મુસાફરોએ મેટ્રો સેવાનો ઉપયોગ કર્યો છે. દિવસવાર જોવામાં આવે તો 18 જાન્યુઆરીએ સૌથી વધુ 6,612 મુસાફરી નોંધાઈ હતી, જ્યારે પ્રથમ દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ 4,308 મુસાફરોએ મુસાફરી હતી. ત્યારબાદના દિવસોમાં આંકડા સતત સ્થિર રહ્યા, જે બતાવે છે કે મેટ્રો ઝડપથી લોકપ્રિય બની રહી છે. નવા સ્ટેશનો શરૂ થવાથી શૈક્ષણિક સંસ્થા, સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. મેટ્રો રેલ સેવા અગાઉ નવા સચિવાલય સુધી જ મર્યાદિત હતી પરંતુ નવા સ્ટેશનો બન્યા પછી અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર એટલે કે રેલવે સ્ટેશન સુધીની કનેક્ટીવિટી મળી છે. જેને કારણે મુસાફરોની સંખ્યા વધી છે.