
ગાંધીનગરના સેક્ટર–15 ખાતે આવેલી સરકારી આર્ટ્સ કોલેજનું બિલ્ડિંગ છેલ્લા સાત મહિનાથી જર્જરિત બનતાં તંત્ર દ્વારા ભયજનક જાહેર કરીને તેનો ઉપયોગ બંધ કરાવવામાં આવ્યો છે. આ કોલેજના ત્રણેય વર્ષના અંદાજે 3500 જેટલા વિદ્યાર્થીઓને હંગામી વ્યવસ્થા તરીકે કોમર્સ કોલેજના કેમ્પસમાં 12 રૂમ અપાયા છે. કોલેજનું પોતાનું કેમ્પસ રહ્યું નથી. જેને કારણે મર્યાદિત સુવિધાઓ વચ્ચે અભ્યાસ કરવો પડે છે. કોલેજ તંત્ર દ્વારા નવા બિલ્ડિંગ માટે સરકારમાં કરેલી રજૂઆત ફાઇલોમાં કેદ થઇને પડી છે. છતનો સ્લેબ પડતાં વિદ્યાર્થીને ઈજા થવાની ઘટના બાદ પણ સરકાર તરફથી કોઇ નક્કર વ્યવસ્થા કરાઇ ન હતી.
સેક્ટર–15ની આર્ટ્સ કોલેજની ઇમારત છેલ્લા સાત મહિનાથી જર્જરિત હાલતમાં છે. આ દરમિયાન ટોઇલેટના છતનો પાતળો સ્લેબ તૂટી એક વિદ્યાર્થીના માથા પર પડ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાદ કોલેજ દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કોલેજની બિલ્ડિંગને ભયજનક જાહેર કરી તે અંગેની નોટિસ લગાવવામાં આવી હતી. આ પછી કોલેજ મેનેજમેન્ટે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) પાસે અન્ય ઇમારત ફાળવવાની માંગ કરી હતી. સી.યુ.જી. દ્વારા આર્ટ્સ કોલેજને બાજુમાં આવેલી કોમર્સ કોલેજના માત્ર 12 વર્ગખંડો ફાળવવામાં આવ્યા હતા.
3500 વિદ્યાર્થીઓ માટે કોમર્સ કોલજમાં અપાયેલા 12 વર્ગખંડો પૂરતા ન હોવાથી કોલેજ મેનેજમેન્ટને શૈક્ષણિક સમય સવારથી બદલીને સાંજનો કરવો પડ્યો.આ ઉપરાંત અન્ય કોલેજ દ્વારા પણ અવાર-નવાર પરીક્ષા લેવા માટે આ જ 12 વર્ગખંડો માથી વર્ગખંડની માંગ કરાય છે. આર્ટસ કોલેજ માટે જે ઇમારતની માટે માંગ કરવામાં આવી હતી તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ફાળવાઇ છે. નોંધનીય છે કે ત્યાં માત્ર 47 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે આર્ટ્સ કોલેજમાં કુલ 3500 વિદ્યાર્થીઓ છે.
સરકારી આર્ટસ કોલેજને કોમર્સ કોલેજના બિલ્ડીંગમાં ફાળવાયેલા કુલ 12 રૂમમાંથી ત્રણ વર્ગખંડો હાલમાં ચૂંટણી પંચ દ્વારા સ્ટ્રોંગ રૂમ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, જેના કારણે ઉપલબ્ધ વર્ગખંડોની સંખ્યા વધુ ઘટી ગઈ છે. વિવેકાનંદ હોલનો ઉપયોગ એસઆઇઆરની કામગીરી માટે કરાઇ રહ્યો છે જેથી કોલેજના કામ માટે આવતો નથી.