
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જિલ્લાભરમાં ફાસ્ટ ફૂડની લારીઓ અને દુકાનોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત માણસા શહેરમાં પણ ખાણીપીણીના વ્યવસાય કરતા એકમોમાં તપાસ કરવામાં આવી હતી.
ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ ઓફિસર શ્વેતાબેન અને તેમની ટીમ, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાકેશ ગોસ્વામી, તેમજ માણસા નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ચારણ અને તેમની ટીમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, ચાર પાણીપુરીના પાણીના સેમ્પલ, એક જગ્યાએથી પાવભાજીના પાવનું સેમ્પલ અને એક નાસ્તાની દુકાનમાંથી ગાંઠિયાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ તમામ સેમ્પલોને વધુ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.
માણસા શહેરમાં આવેલી તમામ ખાણીપીણીની લારીઓ અને નાસ્તાની દુકાનો પર હાથ ધરાયેલી આ ચેકિંગથી ફાસ્ટ ફૂડ લારી અને દુકાન માલિકોમાં ફફડાટ ફેલાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તમામને સ્વચ્છતા જાળવવા અને વાસી ખાદ્ય પદાર્થોનો ઉપયોગ બંધ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.