Breaking News: બસ થોડા જ કલાકોમાં ઈરાન પર હુમલાની તૈયારીમાં અમેરિકા, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ, અનેક દેશોની સેંકડો ફ્લાઈટ્સ કરાઈ રદ

Spread the love

 

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવ વચ્ચે આગામી ગણતરીના કલાકોમાં ઈરાન પર મોટા હુમલાની આશંકા પ્રબળ બની છે. આ સ્થિતિને જોતા ઘણા દેશોની સેંકડો ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. આ હલચલ વધવાને કારણે મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગામી થોડા કલાકોમાં અથવા 24 થી 48 કલાકની અંદર ઈરાન પર હુમલો થઈ શકે છે.

અમેરિકી સેનાએ મધ્ય પૂર્વમાં ભારે સૈન્ય તૈનાત કર્યું છે. USS અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ આ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે વધારાના ટેન્કર વિમાન (KC-135 અને KC-46) અને બીજા યુદ્ધ જહાજોની હાજરી પણ વધારી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, યુએસ સધર્ન કમાન્ડ અને CENTCOM એ હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનમાં આંતરિક વિરોધ પ્રદર્શન પરના ક્રૂર દમન અને મિસાઈલ ક્ષમતાના પુનઃનિર્માણને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે. બીજી તરફ, ઈરાન દ્વારા આ મામલે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ હુમલાને ‘સંપૂર્ણ યુદ્ધ’ માનવામાં આવશે અને તેનો જવાબ ‘મહત્તમ તાકાત’ (Maximum Force) સાથે આપવામાં આવશે.

ઇઝરાયેલ પણ હાઈ એલર્ટ પર

હુમલાની આ આશંકા વચ્ચે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ “ટ્રિગર પર આંગળી” હોવાનો દાવો કર્યો છે. તેહરાને અમેરિકી હુમલાને “ઓલ-આઉટ વોર” (સંપૂર્ણ યુદ્ધ) જાહેર કરવાની વાત કરી છે. બીજી તરફ, ઇઝરાયેલ પણ હાઈ એલર્ટ પર છે. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને જણાવ્યું કે, ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરવાની “તક શોધી” રહ્યું છે અને તેમણે આ મામલે તેહરાન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.

ઇઝરાયેલ અને ઈરાન પરથી પસાર થતી વિવિધ દેશોની કોમર્શિયલ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. KLM, એર ફ્રાન્સ, બ્રિટિશ એરવેઝ, લુફ્થાન્સા વગેરે જેવી કંપનીઓએ તેલ અવીવ, દુબઈ, સાઉદી અરેબિયા અને UAE માટેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.

8,400 જેટલી ફ્લાઇટ્સ રદ

બીજીબાજુ અમેરિકાએ પણ ખરાબ હવામાનનું કારણ આપીને 02 દિવસ માટે 8,400 ફ્લાઇટ્સ રદ કરી છે. ઈરાને પણ તેની ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે. સોશિયલ મીડિયા અને OSINT (ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ) રિપોર્ટ્સમાં “ઝીરો અવર”ની ચર્ચા છે. એવામાં એવી શક્યતા છે કે, જેરેડ કુશ્નરની ઇઝરાયેલ મુલાકાત હુમલાને રોકી રહી છે પરંતુ તેમની વાપસી બાદ હુમલો થવો સંભવ માનવામાં આવે છે.

પોલીમાર્કેટ (Polymarket) પર પણ “મિસાઇલ લોન્ચ” ને લઈને મોટા દાવ લાગ્યા છે, જે ઈનસાઈડર (આંતરિક) માહિતી તરફ સંકેત આપી રહ્યા છે. અત્યાર સુધી કોઈ હુમલો થયો નથી પરંતુ સ્થિતિ અત્યંત નાજુક છે. એક નાની ભૂલ પણ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

વિશ્વની નજર ઈરાન પર

ઈરાનનું આંતરિક સંકટ (વિરોધ પ્રદર્શનો, ઈન્ટરનેટ બ્લેકઆઉટ) અને અમેરિકાના દબાણે સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. સમગ્ર વિશ્વ અત્યારે શ્વાસ અધ્ધર કરીને આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *