મહેસાણા,તા.24 મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ્મા ગામમાં એક યુવાનના વરઘોડા પર ગામના જ કેટલાક શખસોએ હિંસક હુમલો કર્યો. “વરઘોડો કોને પૂછીને કાઢ્યો છે?” તેમ કહી સાત શખસોએ પથ્થરમારો કરતા વરરાજાના સંબંધી મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વરઘોડો જ્યારે ગામના ચોકમાં પહોંચ્યો, ત્યારે કાળુસિંહ અને રાજદીપસિંહ ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા. ‘બેન્ડ-વાજા બંધ કરી દો’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં અન્ય પાંચ શખસો પણ લાકડીઓ અને પથ્થરો સાથે ત્યાં પહોંચ્યા હતા.
અને વરઘોડા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અચાનક થયેલા પથ્થરમારાને કારણે વરઘોડામાં સામેલ મહેમાનો અને મહિલાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં વરરાજાના સંબંધી ઉદલબા સિધ્ધરાજસિંહને માથાના ભાગે પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે સતલાસણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ મામલે પ્રધાનજી ચૌહાણે સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ચૌહાણ, વિક્રમસિંહ ચૌહાણ, સંજયસિંહ ચૌહાણ, ભરતસિંહ ચૌહાણ, વિક્રમસિંહ ચૌહાણ અને નિલેશસિંહ ચૌહાણ સામે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સતલાસણા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ પંચનામું કર્યું છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે તમામ સાત આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.