ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે ખતરો: અમેરિકામાં ઓફિસોમાં ઘૂસીને H-1B વિઝાનું ચેકિંગ શરૂ

Spread the love

 

અમેરિકામાં ટ્રમ્પ તંત્ર હશે ત્યાં સુધી આખા દેશનો એકપણ ઇમિગ્રન્ટ શાંતિથી સૂઈ શકશે નહીં તેમ લાગી રહ્યું છે. હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ હવે કંપનીઓમાં ઘૂસીને H-1B વર્કરોનું ચેકિંગ કરી રહ્યા છે. હ્યુસ્ટન સ્થિત ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ રામિરેજે ચેતવણી આપી છે કે કંપનીઓની ફાઇલને ઓડિટ કરવામાં આવી રહી છે, જેથી H-1B હાયરિંગનો હિસાબ જોઈ શકાય.

કોઈપણ કંપનીમાં H-1Bહાયરિંગને લઈને જરા પણ ગડબડ દેખાય તો આ મામલો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)ને મોકલવામાં આવે છે, જેથી પૂરતા પ્રમાણમાં પગલાં લેવાઈ શકે. અમેરિકામાં એચ-૧બી વિઝા પર જોબ કરતાં ભારતીય વર્કરો મોટી સંખ્યામાં છે. ઇમિગ્રેશન નિષ્ણાતે જણાવ્યું હતું કે સાન્ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક સહિત ઘણા મોટા શહેરોમાં ભારતીય વર્કરો જોબ કરી રહ્યા છે.

કંપનીમાં જઈ ચેકિંગ

ઇમિગ્રેશન નિષ્ણાતે જણાવ્યું હતું કે ટેક્સાસ હ્યુસ્ટન શહેરમાં યુએસસીઆઇએસના અધિકારીઓ કંપનીમાં જઈ ચેકિંગ કરી રહી છે. તેમા કોઈ વિસંગતતા દેખાય તો આખો કેસ આઇસીઇને સોંપી દેવાય છે. તેના લીધે મોટાપાયા પર લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ રામિરેજે જણાવ્યું હતું કે H-1B વર્કરોને કામ આપતી કંપનીઓ એલર્ટ થઈ જાય. અમને એઆઇએલએ જેવી ઇમિગ્રેશન લીગલ કમ્યુનિટીના દ્વારા ખબર પડી છે કે યુએસસીઆઈએસની ફ્રોડ ડિટેકશન ડિવિઝને આ મહિને હ્યુસ્ટનમાં મોટાપાયા પર H-1B વર્કરોને નોકરી પર રાખનારી કંપનીઓની તપાસ શરૂ કરી છે. આ તપાસ ફેબુ્રઆરીમાં પણ ચાલુ રહેવાની છે. આટલું ઓછું હોય તેમ એચ-૧બી સ્ટેમ્પિંગમાં ડિસેમ્બરમાં વિલંબ શરૂ થયો હતો તે હજી પણ જારી છે. કોઈ નવા ઇન્ટરવ્યુ જારી કરવામાં આવ્યા નથી. ઇન્ટરવ્યુની બધી તારીખો ૨૦૨૭માં ટ્રાન્સફર કરવામાં આવી છે.

આમ ચાલુ વર્ષે H-1Bમાં કોઈ ઇન્ટરવ્યુ જ કરવામાં આવનારા નથી. ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે સ્થિતિમાં સુધારો થાય તેવી કોઈ આશા નથી. H-1B વિઝાધારકો ફક્ત એટલું ધ્યાન રાખે કે તેઓ વિઝાના સ્ટેમ્પિંગ માટે ભારતનો પ્રવાસ ખેડવાનું હાલમાં ટાળે, કારણ કે તેની તારીખો ગમે ત્યારે બદલાઈ શકે છે. ગયા ડિસેમ્બરથી કેટલાય H-1B વિઝાધારકો ભારતમાં અટવાઈ ગયા છે, કેમકે તેમને કહેવાયું છે કે તેમના ઇન્ટરવ્યુની તારીખ 2026 સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સિવાય જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં જેમના ઇન્ટરવ્યુ થવાના હતા તેમને પણ સંલગ્ન કોન્સ્યુલેટસ તરફથી ઇ-મેઇલ મળ્યો છે કે તેમની તારીખ એપ્રિલ-મે 2027 સુધી પાછી ઠેલાઈ છે. વિઝા ઓફિસરો બધા જ H-1B ધારકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચકાસી રહ્યા છે.

ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યૂમેને જણાવ્યું હતું કે તેણે છેલ્લા 50 દિવસમાં નવા વિઝા સ્લોટ ખૂલ્યા હોવાનું સાંભળ્યું નથી. ન્યુમેને જણાવ્યું હતું કે H-1B ધારક અમેરિકામાં હોય તો તેણે વર્તમાન સંજોગોમાં બીજા કોઈપણ દેશનો પ્રવાસ ખેડવો જોઈએ નહીં. વર્તમાન સ્થિતિ જોતાં તો એવું જ લાગે છે કે વહીવટીતંત્ર નવા વિઝા જ આપવા માંગતું નથી.

આ ઉપરાંત ટ્રમ્પ તંત્રએ નવું ગતકડું શરૂ કર્યુ છે. વિઝા સ્ટેમ્પિંગમાં વિલંબ પછી હવે તે જુદાં-જુદાં ગતકડતા કાઢીને વિઝા રદ કરી રહ્યું છે. આ નવા ગતકડામાં જીવનસાથી પાસે એચ-૪ વિઝાધારકના જીવનસાથીના H-1B વિઝા હોય તો તેના વિઝા રદ કરી દેવાય છે. તેઓ આ પ્રકારે વિઝા રદ કરવા માટે એવું કારણ આપે છે કે વહીવટીતંત્ર પાસે વિઝાધારકને લઈને નવી માહિતી આવી છે, જેથી વિઝાધારક હવેથી વિઝા માટે પાત્ર નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *