અમદાવાદના યુવકે ફેસબુક લાઈવ કર્યા બાદ કેનાલમાં ઝંપલાવ્યું

Spread the love

 

અમદાવાદના નિકોલમાં રહેતા એક યુવકે દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોતની છલાંગ લગાવતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી. જોકે કેનાલમાં શોધખોળ કરવા છતા હજી યુવકનો પત્તો નહીં લાગતા પોલીસ ચોપડે સત્તાવાર નોંધ થઈ નથી. યુવક ગુજરાત સરકારના મંત્રીનો સંબંધી હોવાની ચર્ચા છે. અમદાવાદના નિકોલના ભાવેશ પટેલ નામનો યુવક આજે પોતાની કાર લઈને દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલ પર પહોંચ્યો હતો. કેનાલમાં કૂદતા પહેલા તેણે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે વીડિયોમાં સંજય બાલધા અને ગીરીશ બાલધા બે ભાઈઓ સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. ભાવેશના આક્ષેપો મુજબ પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સંજય બાલધા અને ગીરીશ બાલધા બે ભાઈઓ તેને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ બંને ભાઈઓની અવારનવારની ધમકીઓ અને માથાકૂટથી કંટાળીને તે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે વીડિયોમાં કબૂલ્યું હતું.
ભાવેશ પટેલે લાઈવ વીડિયોમાં ખૂબ જ ગમગીન અવસ્થામાં જણાવ્યું કે, તે સત્ય હકીકત દુનિયા સામે મૂકીને જઈ રહ્યો છે. તેણે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે, તેના ગયા પછી જવાબદાર બંને ભાઈઓ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ દહેગામ પોલીસનો કાફલો કેનાલ પર દોડી ગયો હતો. દહેગામ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત બહીયલના સ્થાનિક તરવૈયાઓને પણ યુવકની શોધમાં જોડાયા હતાં. ઝાક-જલુન્દ્રાથી રાયપુર કેનાલ સુધીના અંદાજે બે કિલોમીટરથી વધુના પટ્ટામાં સર્ચ કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે, નિકોલનો ભાવેશ ફેસબુક લાઇવ કરીને કેનાલમાં પડ્યો હોવાની વાત છે. પરંતુ હજી કોઈ લાશ મળી નથી. પોલીસ ચોપડે હજી કશું દાખલ કરવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *