ગુજરાત સાયબર સેલે CaaS ગેંગનો પર્દાફાશ કર્યો, 6 દેશોની કડી ખુલ્લી

Spread the love

 

ગુજરાત સાયબર ક્રાઇમ સેલ ઓફ એક્સેલેન્સે એક ગંભીર અને હાઇ-ટેક સાયબર ગુનાનો પર્દાફાશ કરી Cyber Crime as a Social Service (CaaS) મોડલ પર ચાલતી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ સીધો ફ્રોડ કરતી નહોતી, પરંતુ OTP સર્વિસ, ધમકીભર્યા ઇમેલ, મ્યુલ એકાઉન્ટ અને ઈ-કોમર્સ ફ્રોડ માટે 300થી 400 અલગ-અલગ સર્વિસ પૂરી પાડતી હતી, જેના આધારે અન્ય સાયબર ગુનેગારો લોકો સાથે ઠગાઈ કરતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે OTPBUY.COM, Super OTP જેવી વેબસાઇટ્સ મારફતે OTP સર્વિસ વેચવામાં આવતી હતી, જેનો ઉપયોગ બેંકિંગ, ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવા માટે થતો હતો. આ વેબસાઇટ્સ ચીનમાં બેઠેલા સંપર્કોના માર્ગદર્શનથી ચલાવવામાં આવતી હતી, જેનાથી ગેંગની આંતરરાષ્ટ્રીય સાંકળ સ્પષ્ટ થઈ છે.
સાયબર સેલે તપાસ દરમિયાન કુલ 9 સર્વર શોધી કાઢ્યા, જેમાંથી 8 સર્વરમાંથી મહત્વપૂર્ણ ડિજિટલ ડેટા પ્રાપ્ત થયો. છેલ્લા દોઢ વર્ષમાં આ ગેંગ દ્વારા 25 હજારથી વધુ સાયબર કરતૂતો કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉપરાંત 60 વેબસાઇટ્સ અને 50 ઇમેલ ID ટ્રેસ કરવામાં આવી છે. આ ગેંગમાં 6 દેશોના આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સાયબર ક્રાઇમ ઓફ એક્સેલેન્સ દ્વારા મધ્યપ્રદેશમાંથી બે આરોપી ઝડપાયા છે.

આરોપીઓના નામઃ
અબદેશ મહેતાબ રાવત (રહે. મધ્યપ્રદેશ)
શિવમ રાવત (રહે. મધ્યપ્રદેશ)
આરોપીઓના બેંક ખાતાઓમાં 17.54 લાખના નાણાંકીય વ્યવહારો
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, 2 ક્રિપ્ટો વોલેટ, 11 UPI ID મળી આવ્યા છે. આ ઉપરાંત 20 લાખ રૂપિયાના USDT (ક્રિપ્ટો કરન્સી) વ્યવહારો અને આરોપીઓના બેંક ખાતાઓમાંથી 17.54 લાખ રૂપિયાના નાણાંકીય વ્યવહારો સામે આવ્યા છે.

‘CaaS મોડલ ભવિષ્ય માટે વધુ ખતરનાક’ઃ
ગુજરાત સાયબર સેલના અધિકારીઓએ જણાવ્યું કે, CaaS મોડલ ભવિષ્ય માટે વધુ ખતરનાક છે, કારણ કે તેમાં એક ગેંગ અનેક ગુનેગારોને સાયબર ગુના કરવા માટે ટેકનિકલ સુવિધા પૂરી પાડે છે. હાલ વધુ આરોપીઓની શોધ અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે તપાસ ચાલુ છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોએ નાગરિકોને અજાણી વેબસાઇટ, શંકાસ્પદ OTP કોલ/મેસેજ અને ઇમેલથી સાવચેત રહેવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *