
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્વનો હુકમ જારી કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા અને અગાઉ ફરજ મોકૂફી હેઠળ રહેલા ફાયર ઓફિસર મહેશકુમાર આર. મોડની નિમણૂક હવે શહેરના સેક્ટર-30 ખાતે આવેલા મુક્તિધામની કામગીરી સંભાળવા માટે કરવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લેટેસ્ટ હુકમ મુજબ મહેશકુમાર આર. મોડ જેઓ અગાઉ સરગાસણ ખાતેની ફાયર ચોકીમાં ફાયર ઓફિસર તરીકે કાર્યરત હતા. તેમને તાત્કાલિક અસરથી નવી જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉના વહીવટી ઠરાવો અને સામાન્ય વહીવટ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે સસ્પેન્શન પરથી પરત લેવામાં આવેલા અધિકારીઓને બિનસંવેદનશીલ જગ્યા પર નિમણૂક આપવાની જોગવાઈ અનુસાર તેમને આ નવી ફરજ સોંપાઈ છે.
ફાયર સ્ટેશનથી મુક્તિધામ સુધીની સફર વાત કરીએ તો અગાઉ જ્યારે મહેશ મોડને સરગાસણ ફાયર ચોકી ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યારે તેમને માત્ર ટ્રેનિંગ, ફાયર કોલ, પ્રોટોકોલ અને એએસએલ (ASL)ને લગતી કામગીરી જ જોવાની સૂચના અપાઈ હતી. જોકે હવે તંત્રએ તેમને ફાયર સ્ટેશનની કામગીરીમાંથી હટાવીને સેક્ટર-30 મુક્તિધામની વહીવટી અને આનુષંગિક કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરી પોતાની હાજરીનો રિપોર્ટ પણ રજૂ કરવાનો આદેશ કરાયો છે. જોકે હાલમાં તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. બીજી તરફ આ નિમણૂક એટલા માટે ચર્ચાસ્પદ બની છે કારણ કે આ હુકમની નકલ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદના મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકને પણ રવાના કરવામાં આવી છે. અગાઉ લાંચના કેસમાં સંડોવણીને કારણે તેઓ વિવાદમાં રહ્યા હતા અને તેના કારણે જ તેમને ફાયર વિભાગની મુખ્ય કામગીરીથી દૂર રાખીને બિનસંવેદનશીલ ગણાતી મુક્તિધામની કામગીરી સોંપવામાં આવી હોવાનું મનાય છે. કોર્પોરેશનના આ કડક વલણથી મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ જ્યાં ફાયર ઓફિસર જેવી મહત્વની પોસ્ટ પર રહેલી વ્યક્તિને સ્મશાનગૃહની કામગીરી સોંપવી એ મોટી સજા સમાન ગણાય છે.ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર તેને નિયમ મુજબની પ્રક્રિયા ગણાવી રહ્યું છે.