
સૌરાષ્ટ્ર અને ગુજરાતને દેશ અને વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતા વિવાદ સર્જાયો છે. બે દિવસ પહેલા જ જેની પદ્મશ્રી માટે પસંદગી કરવામાં આવી છે તે હાજી રમકડુંએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મારામાં શું કમી છે કે મારા નામ સામે વાંધા અરજી કરવી પડી?. જ્યારે વાંધા અરજી કરનારા ભાજપના કોર્પોરેટરે કહ્યું હતું કે, હાજીભાઈના આધારકાર્ડમાં મીર અટક છે. તે મીર સરનેમથી જ ઓળખાય છે. તેમના જ વિસ્તારમાં હાજીભાઈ રાઠોડ શંકાસ્પદ નામ લાગતા મેં અરજી કરી હતી.
નામાંકિત કલાકારના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો કારસો રચાતા રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો ગુજરાતના નામાંકિત કલાકારો સાથે જ આ પ્રકારના બનાવ બનતા હોય તો સામાન્ય લોકોની શું વાત?બે દિવસ પહેલાં જ જેમને પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે તે હાજી રમકડુંએ આ વિવાદ અંગે કહ્યું કે હું જૂનાગઢના વોર્ડ નંબર 8માં 60 વર્ષથી રહું છું. મને ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ એવોર્ડ આપ્યા છે. મારામાં શું કમી છે કે મારી વાંધા અરજી કરી નાખી છે. હાજીભાઈના વિસ્તારમાં ‘જીભાઈ રાઠોડ’શંકાસ્પદ નામ લાગતા અરજી કરી હતી- સંજય મણવર
સંજય મણવરે જણાવ્યું હતું કે હાજીભાઈ રમકડું અમારા જૂનાગઢનું ગૌરવ છે, જૂનાગઢનું નહીં પણ હવે તો તે આપણા રાષ્ટ્રનું ગૌરવ કહેવાય. હાજીભાઈના વ્યક્તિગત નામ ઉપર કોઈ આપણે વાંધો નથી લીધો. હાજીભાઈ રમકડાનું નામ મીર હાજીભાઈ કાસમભાઈ, એમનું હમણાં જે સર્વોચ્ચ સન્માન મળ્યું રાષ્ટ્રીય લેવલથી એમાં પણ એમનું મીર હાજીભાઈ કાસમભાઈ નામ છે.
પરંતુ અમે જે વાંધો લીધો છે એમાં નામ છે હાજીભાઈ રાઠોડ. હાજીભાઈ રમકડું જ્યાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એ જ વિસ્તારમાંથી એ નામથી હતું એટલે આપણે 7 નંબરના ફોર્મથી એમનો વાંધો લીધો છે. ખરી રીતે આ SIRની પ્રક્રિયામાં જે તે વિસ્તારના બી.એલ.ઓએ તેમને આઠ નંબરનું ફોર્મ ભરાવીને જો એમનું હાજીભાઈ મીર નામના ચૂંટણી કાર્ડની અંદર હાજીભાઈ રાઠોડ હોય તો એ સુધરાવી લેવું જોઈએ. એક વ્યક્તિના બે ઓળખકાર્ડના હિસાબે આ દુવિધા ન થાય એ માટે તંત્રએ કામગીરી કરવી જોઈએ.
હું તો ચોક્કસ માનું છું કે હાજીભાઈ તો અમારા જૂનાગઢનું રાષ્ટ્રનું ગૌરવ છે, અમે ક્યારેય એના નામ કમી કરવા માટે થઈને અરજી ન કરી શકીએ. પણ આવા હાજીભાઈ જેવા સારા વ્યક્તિત્વના નામે કોઈ અન્ય મતાધિકારનો દુરુપયોગ નથી કરતા ને એની પૂર્તતા માટે થઈને જ સાત નંબરનું ફોર્મ દઈને વાંધા અરજી કરેલ છે. એમના પરિવારના પણ એમાં ત્રણ-ચાર લોકો છે. ત્યાં એ જ રાઠોડ, આ પરિવાર મીર હાજીભાઈ કાસમના પરિવારથી પ્રખ્યાત છે અને મારા જન્મ પહેલાથી આજની વાત નથી.
કોઈપણ વ્યક્તિ અને એમનું આપણે આખા પરિવારની તો પૂર્તતા ન કરી પણ હાજીભાઈની પૂર્તતામાં મારા ધ્યાને એમનું આધાર કાર્ડ આવ્યું હતું એમાં મીર હાજીભાઈ કાસમ છે એટલે આપણે ત્યાં આ જે રાઠોડ છે એ શંકાસ્પદ ગેરહાજર દર્શાવીને આપણે એની સામે વાંધા અરજી કરેલ છે અને જે તે તંત્ર એની પૂર્તતા કરીને એનું જે કંઈ નિરાકરણ લઈ આવશે એવી આપણે આશા રાખીએ.
જૂનાગઢ મનપાના નેતા વિપક્ષ લલિત પરસાણાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં હાજી રમકડુંને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી જાહેર કરાયો છે. ત્યારે જ ભાજપના કોર્પોરેટર દ્વારા હાજીભાઈનું નામ મતદારયાદીમાંથી દૂર કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાજી રમકડું સ્થળાંતર થયા હોવાની અરજી કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે બે દિવસ પહેલાં જ ભાજપના ધારાસભ્ય તેમના ઘર પર સન્માન કરવા ગયા હતા તો શું ભાજપના લોકોને ખબર નથી કે હાજી રમકડું જૂનાગઢમાં જ રહે છે.
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, એક તરફ આપણે જેને પદ્મશ્રી આપીને સન્માન કરીએ છીએ તેનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના કોર્પોરેટર અરજી કરે છે. આ ગોરખધંધાની પરાકાષ્ઠા છે. શાહબુદ્દીન રાઠોડ અને હાજી રમકડું સાથે જો રમત રમાતી હોય તો પછી સામાન્ય નાગરિકો સાથે શું નહીં થતું હોય?. આ બે ઉદાહરણ બાદ ચૂંટણી પંચે જાગી જવાની જરુર છે.
આ મામલે જૂનાગઢ કલેકટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, SIRની કામગીરી દરમિયાન જ્યારે કોઈ વ્યકિત દ્વારા કોઈ મતદારના નામ સામે વાંધો લેવામાં આવે ત્યારે તેની સ્ક્રુટીની કર્યા બાદ વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ સુનાવણી રાખવામાં આવે છે. જે વ્યકિત દ્વારા વાંધો લેવામાં આવે છે તેને જ જરુરી પુરાવાઓ રજૂ કરવાના રહે છે.