
ભગવાન સ્વામીનારાયણની કર્મભૂમિ એટલે ગુજરાત, આ ધરતી પરથી ઊભો થયેલો સ્વામીનારાયણ સંપ્રદાય આજે માત્ર રાજ્ય નહીં, પરંતુ દેશ અને વિદેશમાં પણ ધર્મ અને સંસ્કારનો પ્રતીક બની ગયો છે. લાખો સ્વયંસેવકો અને કરોડો હરિભક્તો ધરાવતા સ્વામીનારાયણ સંપ્રદાય માટે આ વર્ષ ઐતિહાસિક છે. કારણ કે હરિભક્તોને ભગવાન સ્વામીનારાયણે આપેલી પવિત્ર શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થયા છે. 5 દિવસીય મહોત્સવ 23 જાન્યુઆરીથી શરૂ થયેલો અને 27 જાન્યુઆરીએ પૂર્ણ થયો છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1826માં સ્વહસ્તે લખાયેલી પવિત્ર શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. લાખો હરિભક્તો ઉમટ્યા, જેમણે ઓરિજિનલ શિક્ષાપત્રીના દર્શન કર્યા, પ્રસાદ ગ્રહણ કર્યો અને ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો. મહોત્સવના સમાપન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે, શિક્ષાપત્રી માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ સર્વજન હિતાય માટે રચાયેલું નૈતિક બંધારણ છે. શાહે વધ્યું કહ્યું કે, ભગવાન સ્વામિનારાયણે ગુજરાતને કર્મભૂમિ બનાવી છે અને આ ગ્રંથમાં સર્વજન હિતાય, સર્વજન સુખાયનો સંદેશ છે…એક શબ્દમાં સમગ્ર માનવતાના કલ્યાણની વાત કરાઈ છે.
શું હતા આકર્ષણ? ઃમહોત્સવમાં ભવ્ય શિક્ષાપત્રી પ્રદર્શન, એઆર-વીઆર એક્ઝિબિશન ‘કોડ ઓફ લાઇટ’, બાળ નગરી, યજ્ઞશાળા, વેદશાળા, દૈનિક કથા-પૂજા, આરોગ્ય કેન્દ્ર, ઓર્ગેનિક ફૂડ કોર્ટ, સોલાર ફાર્મ, વેસ્ટ રિસાયક્લિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ડ્રોન શો અને વિવિધ ટેબ્લો દ્વારા શિક્ષાપત્રીના આદર્શોને આધુનિક રીતે રજૂ કરવામાં આવ્યા. આ ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવે આસ્થા, આદર્શ અને આધુનિકતાનો અનોખો સમન્વય દર્શાવ્યો. શિક્ષાપત્રીના આ પર્વે ગુજરાતની સંસ્કૃતિ અને એકતાનો સંદેશ સમગ્ર વિશ્વને મળ્યો.