ગુજરાત ભાજપમાં સંગઠનમાં નારી શક્તિનો દબદબો

Spread the love

 

ગુજરાત પ્રદેશ ભાજપમાં હાલ સંગઠન સ્તરે મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા એક પછી એક જિલ્લાઓના સંગઠનની જાહેરાત કરવામાં આવી રહી છે. ગઈકાલે દાહોદ, આણંદ અને જૂનાગઢ મહાનગરના સંગઠનની જાહેરાત બાદ આજે સુરત અને બોટાદ જિલ્લા ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરત અને બોટાદ બંને જિલ્લામાં જ્ઞાતિગત સમીકરણો જાળવીને 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને બંને જિલ્લામાં 3-3 મહિલાઓને સ્થાન આપીને ‘નારી શક્તિ’ પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદેશ નેતૃત્વ દ્વારા આ નવી ટીમની વરણી કરવામાં આવી છે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં જ્ઞાતિગત સમીકરણો અને અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા સંગઠનમાં કુલ 8 ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ત્રણ મહિલાઓને સ્થાન આપીને સંગઠનમાં નારી શક્તિનું પ્રતિનિધિત્વ મજબૂત કરાયું છે.સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ પદે ત્રણ મહિલા સહિત આઠની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભાવેશ પટેલ, દિનેશ પટેલ, અનિલ શાહ, અર્જુન વસાવા, મોહન આહિર, વર્ષાબેન ભંડારી, ભક્તિબેન પટેલ, મનીષાબેન ચૌધરીની ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. સાથે જ મહામંત્રી પદે જગદીશ પારેખ, અંકુર દેસાઈ અને રોહિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કોષાધ્યક્ષ તરીકે યોગેશ પટેલની જાહેરાત કરવામાં આવી છે.
સુરતની સાથે સાથે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ દ્વારા આજે બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરત જિલ્લા ભાજપ સંગઠનની જેમ જ બોટોદ ભાજપ સંગઠનમાં પણ ઉપપ્રમુખ પદે ત્રણ મહિલા સહિત આઠની નિમણૂક કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ભાજપમાં સંગઠનમાં ઉપપ્રમુખ પદે પ્રભાતસંગભાઈ રાઠોડ, હિંમતભાઈ મેર, મીનાબેન આચાર્ય, રમેશભાઈ ચાવડા, ધીરુભાઈ ગઢવી, કનકબેન સાપરા, પાલજીભાઈ પરમાર અને અલ્પાબા ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ મહામંત્રી પદે દિપકભાઈ સાબવા, વિજયભાઈ ધલવાણીયા અને વનરાજસિંહ ડાભીની નિમણૂક કરાઈ છે. જ્યારે મંત્રી પદે 8 સભ્યો અને કોષાધ્યક્ષ પદે ધનશ્યામભાઈ માણસુરીયાની નિમણૂક કરાઈ છે.
નોંધનીય છે કે, ગત રોજ જ પ્રદેશ ભાજપ દ્વારા દાહોદ, આણંદ અને જૂનાગઢ મહાનગરના સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. આ સતત થઈ રહેલી જાહેરાતો સ્પષ્ટ કરે છે કે ભાજપ હવે નવા ઉત્સાહ અને નવી ટીમ સાથે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *