
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે સંસ્કારી નગરીનું ઘરેણું ગણાય છે, તે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. કેમ્પસમાં ક્યારેક વિદ્યાર્થી જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી તો ક્યારેક વિદ્યાર્થિનીઓ સાથે છેડતી આવી અનેક ગંભીર ઘટનાઓ બાદ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા. જો કે, મોડે મોડે પણ સત્તાધીશો જાગ્યા છે. હવે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. યુનિવર્સિટી પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક અને સુદ્રઢ બનાવવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે, સુરક્ષા માટે એકસાથે ત્રણ-ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તારીખ 1 ફેબ્રુઆરીથી આ નવો કોન્ટ્રાક્ટ અમલમાં આવશે. જે અંતર્ગત હવે કેમ્પસમાં 200 જેટલા સિક્યોરિટી જવાનો ખડેપગે તૈનાત રહેશે. માત્ર મેનપાવર જ નહીં, પરંતુ સ્ટ્રેટેજીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
આ કોન્ટ્રાક્ટ હેઠળ યુનિવર્સિટી દર વર્ષે સિક્યોરિટી પાછળ 3 કરોડનો ખર્ચ કરશે. યુનિવર્સિટીમાં બિનજરૂરી અવરજવર રોકવા માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીમિત કરી દેવામાં આવશે. એટલું જ નહીં, ટેકનોલોજીની મદદ લેવા માટે કેમ્પસમાં AI કેમેરા લગાવવા અંગે પણ સત્તાધીશો ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ સત્તાધીશોના આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેમજ વિદ્યાર્થિનીઓની સુરક્ષા, છેડતીની ઘટનાઓ પર રોક અને કેમ્પસમાં સુરક્ષિત વાતાવરણ બનશે તે અંગેનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સુરક્ષા વધારવાનો નિર્ણય ચોક્કસપણે આવકારદાયક છે. 200 સિક્યોરિટી જવાનો અને 3 એજન્સીઓનો કાફલો કેમ્પસને કેટલું સુરક્ષિત બનાવી શકે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે આ માત્ર કાગળ પરનો નિર્ણય ન બની રહે અને ખરેખર કેમ્પસમાં ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તે અનિવાર્ય છે.