વાહનમાં વ્હાઇટ LED લગાવી તો 5000 સુધી દંડ ને જેલ

Spread the love

 

ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર કંપની ફિટિંગ સિવાયની વધુ વોટની વ્હાઈટ LED લાઈટ લગાવાતી હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વ્હાઈટ LED લાઈટને લઈ ફરિયાદો વધતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. વાહન વ્યવહાર કમિશનર દ્વારા વાહનોમાં ફીટ કરાતી ગેરકાયદે વ્હાઈટ LED સામે કાર્યવાહી માટે પરિપત્ર કરતા RTOએ કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ હાસ્યાસ્પદ બાબત એ છે કે, વાહનમાં LED લાઈટની હાઈ ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવા માટે જે લક્સ મીટર જરુરી છે તે જ હજી RTO ઓફિસને નથી અપાયા. એટલે હાલ તો, ગાંધીનગરના આદેશનું પાલન કરવા RTOના સ્ટાફે અંદાજ લગાવીને વાહનચાલકોને દંડવાની શરૂઆત કરી દીધી છે. તમારા વાહનમાં કેટલા વોટ સુધીની લાઈટ લગાવી શકાય છે?, જો કોઈ વાહનચાલક નિયમ વિરુદ્ધ લાઈટ લગાવે છે તો કેટલો દંડ થશે? આ તમામ સવાલોના જવાબ માટે ભાસ્કરે અમદાવાદ, સુરત અને રાજકોટના RTO સાથે વાત કરી.
છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. યુવાનો વટ પાડવા માટે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તેમાં નિયમ વિરુદ્ધની લાઈટો લગાવી ગાડીઓ ચલાવતા હોય છે. નિયમ વિરુદ્ધ લગાવવામાં આવતી વ્હાઇટ લાઈટના કારણે લોકોની આંખોને ઘણું નુકશાન પહોંચતું હોય છે. વ્હાઈટ બલ્બ લગાવવામાં આવેલા વાહનોમાંથી તીવ્ર પ્રકાશવાળી લાઈટના કારણે સામેથી અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે. જેના કારણે અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે વાહનોની ચકાસણી કરી કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.જેના કારણે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં RTO દ્વારા વ્હાઈટ LED લાઈટ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવા વાહનોનું વેચાણ કરતા સમયે CMVR( સેન્ટ્રલ મોટર વ્હિલક્લ રૂલ્સ) અંતર્ગત જ લાઇટ લગાવવા માટે RTO અમદાવાદ દ્વારા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. જો ડીલરો CMVRનું પાલન નહીં કરે અને નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવશે તો તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ડીલરો નિયમ વિરુદ્ધ વ્હાઇટ લાઇટ લગાવતા પકડાશે તો ડીલરશીપ બંધ કરવાની અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમદાવાદ RTO કરશે.
જૂના વાહનોમાં વ્હાઈટ બલ્બ લગાડેલા છે તેવા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દરરોજ રાત્રે RTO અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી આંખો આંજાતી તીવ્ર પ્રકાશવાળી લાઇટ લગાવેલી હશે તો તેને અટકાવી સ્થળ પર જ એક હજારનો દંડ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. નિયમ પ્રમાણે વ્હાઈટ LED લગાવી શકાય છે પરંતુ કેટલાક વાહન ચાલકો તીવ્ર પ્રકાશવાળા વ્હાઈટ બલ્બ લગાવતા હોય છે. જે નિયમ વિરુદ્ધ છે અને તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2025માં જ અમદાવાદ RTO દ્વારા 1090 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા હોવાથી 10.90 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જો કે લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવતું હોવા છતાં નિયમનું પાલન એટલે માટે થતું નથી કારણ કે માત્ર દંડ જ ફટકારવામાં આવે છે. અત્યાર સુધી એકપણ તીવ્ર પ્રકાશવાળી વ્હાઈટ બલ્બ લગાવેલા તેવી એકપણ ગાડી નથી કે જેનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું હોય. માત્ર દંડ લઈને છોડી દેવામાં આવતા અમદાવાદીઓ નિયમનું પાલન કરવામાં ઉદાસીનતા રાખી રહ્યા છે.
અમદાવાદ RTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે જે પણ નવા વાહનોનું ડીલરો વેચાણ કરી રહ્યા છે તેવા તમામ ડીલરોને સૂચના આપવામાં આવી છે. કે આપના દ્વારા CMVR રૂલ્સ અંતર્ગત જે વાહનોનું વેચાણ કરવામાં આવે છે, વ્હાઈટ એલઇડીનું જેનું એપ્રુવલ આપવામાં આવ્યું છે તે જ પ્રકારના વાહનોનું વેચાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેટલા પણ જુના વાહનો છે તે વાહન માલિકો ડીલર સિવાય અન્ય જગ્યાએ વ્હાઈટ એલઇડી બલ્બ ફિટ કરાવી રહ્યા છે જે નિયમ વિરુદ્ધ છે. આ તમામ વિરુદ્ધ દરરોજ ચેકિંગ કરવામાં આવશે. નિયમ પ્રમાણે કેવા પ્રકારની લાઇટ વાહનમાં લગાવવાની મંજૂરી હોય છે તેને લઈને નીરવ બક્ષી જણાવે છે કે, CMVR અંતર્ગત જે એપ્રુવલ આપવામાં આવે છે, તેમાં વ્હાઈટ એલઈડીને જ માત્ર મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અન્ય જગ્યાએથી વ્હાઇટ એલઇડી બલ્બનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલી નથી. જેથી જો નિયમ વિરુદ્ધ વ્હાઇટ બલ્બ ફિટ કરેલા હશે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વ્હાઈટ એલઇડીની જ મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ વ્હાઇટ બલ્બ લગાવેલા હોય છે તે નિયમ વિરુદ્ધ હોય છે.
રાજકોટ આરટીઓના અધિકારી ઇન્દ્રજીત ટાંકે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યના તમામ આરટીઓને પત્ર લખી વ્હાઈટ લાઈટ સામે કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે ત્યારે બે દિવસ પહેલા પોલીસને સાથે રાખી ડ્રાઇવ કરવામાં આવી હતી અને વ્હાઇટ લાઇટ નંખાવનારા 35 વિરુધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનોમાં કંપની ફિટેડ વ્હાઇટ લાઇટમાં કોઈ વાંધો નથી પરંતુ મોડીફાઇ કરેલી અથવા તો અલગથી વ્હાઇટ લાઈટ લગાવી ન શકાય. જેથી બે દિવસ પહેલા કરેલી ડ્રાઈવમાં વ્હાઈટ લાઈટ લગાવતા 35 જેટલા વાહન ચાલકોને રૂ.1000 થી રૂ.5000 નો દંડ કરવામાં આવેલો છે. કુલ રૂ.2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવેલો છે. વાહનમાં જૂની લાઇટને મોડીફાય કરાવો તો રૂ.1000 અને જૂની લાઇટ કાઢી નવી ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ લગાવો તો રૂ.5000 ના દંડ થાય છે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન ની સાથે સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે. જોકે લાયસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *