
અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખસ છરી વડે એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેમ એક શખસ હાથમાં છરી લઈને ટ્રાફિકની વચ્ચે અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે. છરી લઈને આતંક મચાવતા અસામાજિક તત્વોના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જો કે વાઇરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીના સવેરા હોટલ પાસે મોડી સાંજના સમયે જાહેરમાં એક શખસ પોતાના એક હાથમાં છરી લઈને અન્ય વ્યક્તિને મારી રહ્યો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં ખુલ્લા રોડ પર આ શખસનો એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો તે ઝઘડામા આ શખસ હાથમાં છરી લઈને સામેવાળી વ્યક્તિ પર હુમલો કરતો દેખાય છે. જોકે આ વીડિયો વાઇરલ થતાં અને પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. વેજલપુર પોલીસે વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. અગાઉ પણ જુહાપુરામાં જાહેરમાં છરી વડે મારામારી અને બે જૂથ વચ્ચેની મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે ફરી એક વખત આ પ્રકારનો જાહેરમાં હથિયાર વડે મારામારી કરતો વીડિયો વાઇરલ થતા કાયદો -વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર ના હોય તેમ બેફામ બનીને હથિયાર લઈને લોકોમાં ભય ફેલાઈ રહ્યા છે.