
રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પુલ નીચે ખાબક્યા બાદ તેમાં લાગેલી ભીષણ આગમાં બે મહિલા સહિત 3 શિક્ષક જીવતા ભુંજાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક તક પણ મળી ન હતી.
મૃતકોના નામઃ પ્રયાગકુમાર ગણપતસિંહ બારીયા, (ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર), આશાબેન સત્યપાલ ચૌધરી, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) અને નિતાબેન એન્થની પટેલ, (શિક્ષિકા, ગાંઠિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર).
વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, છોટા ઉદેપુરથી ગોંડલ તરફ પૂરઝડપે જઈ રહેલી ઓરા કાર (નં.GJ 34 N 0962)ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઉતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી.કાર ઊંધી પડતા જ ઈંધણ લીકેજ કે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર પટકાવાને કારણે તેના દરવાજા જામ થઈ ગયા હતા, પરિણામે અંદર સવાર બે મહિલા સહિત 3 શિક્ષક બહાર નીકળી શક્યા ન હતા અને જોતજોતામાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાના ફાયર જવાનો અજયસિંહ વાળા, જયેશભાઇ સોજીત્રા, દિવ્યરાજસિંહ ઝાલા અને સતુભા જાડેજાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારસવાર લોકો સંપૂર્ણ બળીને ભડથું થઈ ગયા હતા. કાર પડીકું વળી ગઈ હોવાથી સ્પેશિયલ રેસ્ક્યૂ ફાયર ફાઈટરની મદદથી હાઇડ્રોલીક અને સાદા કટર વડે ગાડીના દરવાજા કાપવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ અંદરથી હાડપિંજર બની ગયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.