
વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે(30 જાન્યુઆરી) વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતાં તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5થી વધુ લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મૃતકનાં નામઃ હિંમતભાઈ સુખાભાઈ દેવીપૂજક (ઉંમર વર્ષ 50, રહે. લીલાપુર ગામ, જસદણ, રાજકોટ), મોહમ્મદ રફીક શેખ (ઉંમર વર્ષ 39, રહે. રોનકપાર્ક ડુપ્લેક્સ, શાહઆલમ, અમદાવાદ)
આ અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા. કરજણ ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ બસમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને સારવાર અપાઈ રહી છે. આ ભયાનક અકસ્માતને લઈ ફાયર, પોલીસ અને 108ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત દિલાવરભાઈએ જણાવ્યું હતું કે અમે ખડકી સીમથી બેઠા હતા અને અમદાવાદ જઈ રહ્યા હતા. અમે અમદાવાદ અમારા સંબંધીના લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે, અમે કોઈને કંઈ કહ્યું નથી. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફર અને નજરે જોનાર ઈરફાનભાઈએ જણાવ્યું હતું કે અમે અમારા અંગત કામથી મહારાષ્ટ્ર સાઈડ ફરવા ગયા હતા. ત્યાંથી અમે ધુલિયાથી ખોડિયાર ટ્રાવેલ્સ નામની લક્ઝરી આવતી હતી એેમાં બેઠા હતા. સવારે પાંચ-સાડાપાંચના અરસામાં લક્ઝરી બસ કરજણ બ્રિજ ઉપર પહોંચી અને ત્યાં લક્ઝરીનો ગમખ્વાર અકસ્માત થયો. એમાં અમારા ગ્રુપના બે છોકરાને થોડી વધુ ઇજા થઈ એટલે ત્યાંથી 108ને કોલ કરી આરોગ્ય કેન્દ્ર કરજણ ખાતે લઈ ગયા હતા. ત્યાં થોડીક સારવાર કરાવીને પછી અમને એસએસજી હોસ્પિટલમાં લાવ્યા છે.
તેણે વધુમાં કહ્યું કે એ દરમિયાન ત્યાં આગળ બીજા ઘણા પેસેન્જરો હતા લગભગ બસની અંદર 65થી 70 પેસેન્જરો હતા. એમાં બીજા ઘણા બધા ઈજાગ્રસ્ત થયા હતા, એ લોકોને પણ આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા અને બસનો કંડકટર હતો તે પણ સિરિયસ છે અને તેને પણ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અમે અમારો જીવ બચાવવા માટે અંદરથી બારીમાંથી ઉપરની બારી કૂદીને નીચે પડ્યા અને અમુક પેસેન્જરને અમે ડીકીની બારી તોડી અને ત્યાંથી એક મૃતદેહ બોડી બહાર કાઢ્યો. બીજા ઘણા પેસેન્જરોને ત્યાંથી કાઢી અમે તેમનો બચાવ કર્યો હતો. નંદેસરી પોલીસ મથક હદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી તામિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતાં ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું.