
આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજ દ્વારા પરંપરાગત સમૂહ લગ્નને બદલે હવે ‘દૈનિક લગ્ન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વર-કન્યા પક્ષ વર્ષના કોઈપણ દિવસે પોતાના મનગમતા મુહૂર્તમાં લગ્ન કરી શકશે.સામાન્ય રીતે સમૂહ લગ્નો વર્ષમાં એક જ વાર યોજાતા હોય છે, જેના કારણે પરિવારોએ લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. વળી એક જ દિવસે અનેક લગ્નો હોવાથી ભીડભાડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે સમાજના પ્રમુખ દિનેશ સુથાર અને કારોબારી સભ્યો દ્વારા આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. આ યોજના હેઠળ દાતા પાસેથી માત્ર 31 હજાર રૂપિયા જેવી નજીવી રકમ લઈને સમાજ લગ્નનો તમામ ખર્ચ અને વ્યવસ્થા સંભાળે છે.
મહેસાણા પાટણવાડા ગજ્જર સુથાર સમાજના પ્રમુખ દિનેશ સુથારે જણાવ્યું કે, આ દૈનિક સમૂહલગ્નમાં તમામ ખર્ચ સમાજ ભોગવે છે. ગઈ સાલ આજણા પરિવાર દ્વારા સમૂહલગ્ન કરવામાં આવ્યા હતા. એમાં છ વરઘોડિયાના લગ્ન માટે વીસ લાખથી વધુ ખર્ચ થયો હતો. એમાંથી પ્રેરણા લઈ ખર્ચ ઘટાડવા માટે દૈનિક સમૂહલગ્ન યોજના ચાલુ કરી છે. આ સમૂહલગ્ન યોજના દાતાઓ પાસેથી 31 હજાર રૂપિયા લેવામાં આવે છે. આ યોજનાની આર્થિક સફળતા વિશે વાત કરીએ તો ગત વર્ષે સમૂહ લગ્નમાં 6 યુગલો પાછળ અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે આ નવીન દૈનિક યોજનામાં તેટલા જ લગ્ન માત્ર 2 લાખ રૂપિયાના નજીવા ખર્ચમાં સંપન્ન થઈ શકે છે. આમ સમાજની મોટી બચત સાથે પરિવારો પરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે.