
રિબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આખરે કાયદાનો સકંજો મજબૂત બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી પોલીસની નજરોથી બચતા ફરતા અને કોર્ટ દ્વારા ‘ફરાર’ જાહેર કરાયેલા મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લખનીય છે કે, પોલીસ તપાસમાં મિસ્ટર X નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પકડાયેલા રહીમ મકરાણીને જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમાર દ્વારા ગત 29 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસના ઊંડા મૂળ સુધી પહોંચવા, આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રહીમ મકરાણી 31 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યા સુધી પોલીસની પૂછપરછ હેઠળ રહેશે. આ સમયગાળા દરમિયાન પોલીસ આરોપી પાસેથી આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનારા પુરાવાઓ એકત્રિત કરવા પ્રયાસ કરશે.
શું હતી સમગ્ર ઘટના?
3 મે 2025ના રોજ રાજકોટમાં મોડેલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપી સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રિબડાના અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં રહીમ મકરાણી મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હતો, પરંતુ તે ધરપકડથી બચવા છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો હતો. ગતરોજ 29 જાન્યુઆરીએ રાજકોટ ગ્રામ્ય પોલીસની ખાસ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢમાંથી તેને દબોચી લેવામાં સફળતા મળી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 અને 61(2) હેઠળ ગુનો નોંધાયેલો છે.
તપાસના મુખ્ય મુદ્દાઓ:
અમિત ખૂંટને આત્મહત્યા માટે મજબૂર કરવા પાછળનું સાચું કારણ શું હતું?
આઠ મહિના સુધી ફરાર રહેવા દરમિયાન તેને કોણે આશ્રય આપ્યો હતો?
શું આ કેસમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે?
પોલીસ આ રિમાન્ડ દરમિયાન આરોપીના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓને આધારે કેસની કડીઓ જોડશે.
પોલીસની પાંચ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક સગીરા અને અન્ય મહિલાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ કાવતરું રચ્યું હોવાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે. 2મે પૂર્વે 10 દિવસ અગાઉ બંને મહિલાઓ X નામના વ્યક્તિને મળી હતી. મિસ્ટર Xએ એક વ્યક્તિને ફસાવવા પૂજાને સારી લાઇફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપી હતી. સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકિલો તમારી સાથે રહેશે અને મીડિયા આ કેસમાં પ્રેશર કરશે એટલે ઝડપથી ફરિયાદ પણ દાખલ થશે. કહીને X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યું હતું. આ ષડયંત્રમાં મિસ્ટર X 1 વર્ષથી પૂજા રાજગોરના સંપર્કમાં હતો અને તેની આ કેસમાં મહત્ત્વની ભૂમિકા છે.
સગીરાએ ફરિયાદ નોંધાવ્યાના 10 દિવસ પહેલા સગીરાએ અમિત ખૂંટની ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લાઇક કરી હતી. તે બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને વચ્ચે ચેટ શરૂ થઈ હતી. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું આઇડિ અને પાસવર્ડ મેળવી મિસ્ટર X પોતે સગીરા બનીને વાત કરતો હતો. ચેટમાં વાત કરવાની હોય ત્યારે મિસ્ટર X વાત કરતો હતો જ્યારે ફોન પર વાત કરવાની હોય ત્યારે સગીરા અમિત ખૂંટ સાથે વાત કરતી હતી. પોલીસ તપાસમાં મિસ્ટર X મળ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે.