
સુરત શહેરના છેવાડે આવેલા એકલેરા ચોકડી પાસે ગઈકાલે(29 જાન્યુઆરી) મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંદાજે 3 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વેસ્ટેજ કાપડ (ચીંદી)ના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા છ કલાકથી ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. સબ ફાયર ઓફિસર દીપક બારોટે જણાવ્યું હતું કે, સુરતના ડીંડોલી અને ભેસ્તાન વચ્ચે એકલેરા ચોકડી નજીક આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગની ઘટના મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી હતી. ભેસ્તાન, ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિતના સ્ટેશનો પરથી 5થી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. છેલ્લા 6 કલાકથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે અંદાજે 50 ટકા જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતા મળી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠાર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે આ ગોડાઉનો 3 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ પાંડેસરા અને સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આ જ પ્રકારે ગેરકાયદેસર ચીંદીના ગોડાઉનોમાં આગની ઘટનાઓ બની ચૂકી છે, જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.