જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા IPSએ લીધી સ્વૈચ્છિક નિવૃતિ: ગાંધીનગર ટ્રાફિક IG પદેથી થયા રિટાયર, પોલીસ બેડા અને રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો

Spread the love

 

ગુજરાત પોલીસ દળના વરિષ્ઠ અધિકારી અને આઈપીએસ (IPS) એમ.એલ. નિનામાએ પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2006ની બેચના આઈપીએસ અધિકારી એમ.એલ. નિનામા ગાંધીનગર ખાતે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (Inspector General of Police) તરીકેની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા.

તેમની લાંબા સમયની પોલીસ સેવા બાદ, સરકારે તેમની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી સ્વીકારી છે, જેના પગલે પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ છે.

ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, નિનામાને તારીખ 07/04/2026 ના રોજ ઓફિસ સમય પૂરો થયા બાદ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત ગણવામાં આવશે. અચાનક આવેલી આ નિવૃત્તિના સમાચારને પગલે વહીવટી તંત્રમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

જાહેર જીવનમાં નવી ઈનિંગની શરૂઆતઃ

પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. જોકે, તેમણે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કોઈ પક્ષમાંથી ઓફર આવશે તો હું વિચાર કરીશ એવું નિવેદન મનોજ નિનામાએ મીડિયા સમક્ષ આપ્યું હતું.

ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ હેઠળ લેવાયો નિર્ણય

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ, ઓલ ઈન્ડિયા સર્વિસીસ (ડેથ-કમ-રિટાયરમેન્ટ બેનિફિટ્સ) રૂલ્સ, 1958 ના નિયમ 16(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને એમ.એલ. નિનામાને નિવૃત્તિ આપવામાં આવી છે. આ નિર્ણય ગુજરાતના રાજ્યપાલના આદેશથી અને તેમના નામે પસાર કરવામાં આવ્યો છે, જેની જાણ તમામ ઉચ્ચ સત્તાધિકારીઓને કરવામાં આવી છે.

ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં હતી છેલ્લી નિયુક્તિ

આઈપીએસ એમ.એલ. નિનામા તેમની કારકિર્દીના અંતિમ પડાવમાં ગાંધીનગર ખાતે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન અને રાજ્યના હાઈવે સુરક્ષાના મોરચે તેમની કામગીરી મહત્વની રહી હતી. 7 એપ્રિલ 2026 ના રોજ ઓફિસ અવર્સ પૂરા થતાની સાથે જ તેઓ તેમની તમામ વહીવટી જવાબદારીઓમાંથી મુક્ત થયા છે. આ નિવૃત્તિ અંગેની નકલ રાજ્યપાલના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલય સહિતના તમામ ઉચ્ચ વિભાગોને મોકલવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને એકાઉન્ટન્ટ જનરલને પણ આ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

પોતના સફર વિશે જણાવતા IPS એમ.એલ. નિનામાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી સમાજ પ્રત્યે મારે કંઈક દેવું છે તે ભાવનાથી હું આ ક્ષેત્રમાં સેવા આપવા માંગુ છું. મારી 42 વર્ષની કારકિર્દી રહી છે. રાજકારણ અંગે અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા મને ઓફર આપવામાં નથી આવી. પરંતુ જો કોઈ પણ પક્ષ દ્વારા મને ઓફર આપવામાં આવશે તો હું ચોક્કસપણે તેનો વિચાર કરીશ. પરિવારિક અંગત કારણોસર આ રાજીનામું આપવાની જરૂરિયાત હતી એટલે ઘણા સમય પહેલા આ વિશે મેં વિચારેલું હતું. આ બાબતે ગઈકાલે સરકારે મારું રાજીનામું મંજૂર કર્યું છે.

મારી આટલી લાંબી કારકિર્દીમાં અત્યાર સુધી કોઈ પણ પક્ષ તરફથી કોઈ ઓફર નથી આવી. અભ્યાસ પણ મારો સાબરકાંઠા આશ્રમ શાળામાંથી થયો હતો. સમાજ પ્રત્યે આપણી જવાબદારી છે, તેનું ઋણ આપણી પર છે. તે ઋણ પૂરું કરવા માટે ભવિષ્યમાં સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે જોડાયેલો તો છું જ અને તેને વધુ સારી રીતે કરવા માટેની મારી પૂરી તૈયારી છે. જો કોઈ રાજકીય પક્ષ તરફથી સારો ઓફર આવશે અને સારું બેકગ્રાઉન્ડ મળશે તો હું તે વિશે વિચાર કરીશ. ગઈકાલે જ મારું રાજીનામું મંજૂર થયું છે એટલે અત્યારે તો ટિકિટ માંગવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ ભવિષ્યમાં જો કોઈ પક્ષ તરફથી ઓફર આવશે તો હું તમને સામેથી જાણ કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *