ગુજરાતમાં ભરઉનાળે મેઘરાજાની તોફાની એન્ટ્રી, ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી જનજીવન અસ્તવ્યસ્ત; ખેડૂતો ચિંતાતુર!

Spread the love

Gujarat Rain: રાજ્યમાં આજે ફરી માવઠું આવ્યું છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાવનગર, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, મહીસાગર, ખેડા, પાટણ અને આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વાતાવરણમાં પલટા અને પવને સાથે વરસાદનું આગમન થયું છે. તો લુણાવાડા સહિતના વિસ્તારોમાં કરાં પણ પડ્યા છે. આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કારણ કે ઉનાળામાં પડેલો આ વરસાદ પાકને નુકસાન કરી શકે છે.

 

ઉત્તર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણાના ઊંઝામાં ભારે પવનના કારણે ઈમારતનો કાટમાળ કાર પર પડ્યો. ઘટનામાં કારને નુકસાન થયું છે. સારી વાત એ છે કે, કોઈ જાનહાનિ નથી થઈ. તો વડનગરમાં સિવિલ પરથી પાણીની ટાંકી ઉડીને નીચે કાર પર પટકાઈ હતી. જેથી કારને નુકસાન થયું છે.

 

ભરઉનાળે સર્જાયો અષાઢી માહોલ

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. ખેડા જિલ્લાના માતરમાં ચોમાસાની યાદ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા છે. ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં તો આફતનો વરસાદ પવન સાથે વરસ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદે અનેક જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, તો કેટલીક જગ્યાએ હોડિંગ્સ પણ ઉડી ગયા છે. સદનશીબે કોઈ જાનમાલને નુકસાન તો નથી પહોંચ્યું. પરંતુ આફતના આ વરસાદે ચિંતા વધારી દીધી છે.

મોડાસામાં મુશળધાર!

અરવલ્લીના વડુમથક મોડાસા શહેરની અનેક સોસાયટીઓ અને વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મેઘરાજાની ધબધબાટી હજુ પણ યથાવત્ છે. મહેસાણા જિલ્લામાં તો મુશ્કેલીનો વરસાદ વરસ્યો છે. ઉનાળા વચ્ચે માવઠુ અને ભારે પવન ફૂંકાતા વાહનોમાં ભારે નુકસાન થયું છે. જર્જરિત એક બાંધકામ તુટી પડ્યું અને તેના કાટમાળથી અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે.

 

આણંદમાં આફતના વરસાદે તાંડવ મચાવ્યો

ભરૂચમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, તો આણંદમાં આફતના વરસાદે તાંડવ મચાવ્યો છે. સતત કમોસમી વરસાદથી વિઝિબિલિટી ઘટી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે શેરીઓ પાણીથી તરબોળ થઈ ગઈ છે. પાટણ હોય કે મહેસાણા, ખેડા હોય કે આણંદ, અરવલ્લીથી લઈને બનાસકાંઠા સુધી ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી નજરે પડી રહી છે. અને પવન એવો ફૂંકાયો કે વૃક્ષો પણ જમીન પર આવી પડ્યા.

 

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન

ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરના માણસામાં વરસાદથી ભારે નુકસાન થયું છે. માણસામાં માત્ર 2 કલાકમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદથી ગાંધીનગરના માણસા અને મહેસાણાના ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં પડેલો માલ પલળ્યો છે. માલ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. મહેસાણામાં તો ભારે પવનના કારણે શેડને પણ મોટું નુકસાન થયું છે.

ભાવનગર જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્યના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદ શરૂ થતા જ શહેરના અનેક વિસ્તારમાં વીજ પૂરવઠો ખોરવાયો છે. માવઠાથી બાગાયત પાક અને ખેતીવાડીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *