વિનાશના આરે છે આ દેશ, 1 કરોડ લોકોનો જીવ જોખમમાં; નથી મળી રહ્યું તેલ કે નથી બચ્યું ખાવાનું! જાણો કેમ સર્જાયું ભયાનક સંકટ?

Spread the love
દુનિયાના નકશા પર એક નાનકડો ટાપુ દેશ ક્યુબા આ દિવસોમાં તેના ઈતિહાસના સૌથી ખરાબ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. એક સમયે પ્રવાસીઓથી ઉભરાતો આ દેશ અત્યારે પાયમાલ થવાની અણી પર છે. અહેવાલો મુજબ, ક્યુબામાં લગભગ 1.1 કરોડ લોકો ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. દેશમાં ખાવા માટે અનાજ નથી, હોસ્પિટલોમાં દવાઓ નથી અને આખા દેશમાં અંધારપટ છવાયેલો છે.

લોકો પાયાની જરૂરિયાતો માટે પણ તરસી રહ્યા છે.

 

ક્યુબામાં સ્થિતિની વાત કરીએ તો, તેલની અછત એટલી ગંભીર બની ગઈ છે કે, દેશમાં સતત વીજળી કાપવામાં આવી રહી છે. ઘણા વિસ્તારોમાં તો 12થી 20 કલાક સુધી વીજળી આવતી નથી. આખો દેશ અંધકારમાં ડૂબેલો છે. રસોઈ બનાવવા માટે લોકો લાકડા અને કોલસો સળગાવી રહ્યા છે. હોસ્પિટલોમાં સર્જરી અટકી પડી છે, દવાઓ ખતમ થઈ રહી છે અને કચરો રસ્તાઓ પર સડી રહ્યો છે. ક્યુબાની વસ્તી લગભગ 1 કરોડ 10 લાખ છે. હાલના મહિનાઓમાં આખા ટાપુ પર ત્રણ વખત સંપૂર્ણ ‘બ્લેકઆઉટ’ થઈ ચૂક્યું છે. ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે આ દેશ હવે ધીમે-ધીમે ખતમ થવાને આરે પહોંચી ગયો છે, પરંતુ કોઈ તેનો ઉલ્લેખ કરી રહ્યું નથી.

 

ક્યુબામાં કટોકટીનું અસલી કારણ શું છે?

 

ક્યુબા લાંબા સમયથી અમેરિકાના આર્થિક પ્રતિબંધો સામે ઝઝૂમી રહ્યું છે. હાલમાં અમેરિકાએ વેનેઝુએલાથી આવતા તેલના શિપમેન્ટ્સ અટકાવી દીધા છે. આ પછી મેક્સિકો અને અન્ય દેશોને પણ તેલ મોકલવા પર ટેરિફ અને દબાણનો સામનો કરવો પડ્યો છે. પરિણામ એ આવ્યું કે, ક્યુબાને છેલ્લા ત્રણ મહિનાથી કોઈ મોટું ઓઈલ ટેન્કર મળ્યું નથી. દેશ પોતાની જરૂરિયાતનું માત્ર 40% તેલ જ જાતે ઉત્પાદન કરી શકે છે, બાકીના માટે તે આયાત પર નિર્ભર હતો. સરકારનું કહેવું છે કે, આ ઓઈલ બ્લોકેડ જાણીજોઈને લાદવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે તેને ‘માનવીય સંકટ’ ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને WHO પ્રમુખે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

 

જનજીવન પર માઠી અસર

 

દેશમાં હજારો લોકો સર્જરીની રાહ જોઈ રહ્યા છે, દવાઓની અછતને કારણે જૂની બીમારીઓ ધરાવતા દર્દીઓની સ્થિતિ બગડી રહી છે. હવાના અને અન્ય શહેરોમાં બસો ઓછી ચાલી રહી છે, જેના કારણે લોકો પગપાળા અથવા સાયકલ પર કામ પર જઈ રહ્યા છે. પાણીનો પુરવઠો પણ વીજળી પર નિર્ભર હોવાથી પ્રભાવિત થયો છે. શાળાઓ અને ઓફિસો બંધ થઈ રહી છે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘણા પરિવારો હવે દિવસમાં માત્ર એક જ સમયનું જમવાનું જમીને ગુજારો કરી રહ્યા છે. ક્યુબા સરકારે સોલર એનર્જી વધારવાના પ્રયાસો તેજ કર્યા છે, પરંતુ જૂની વીજળી વ્યવસ્થા અને તેલની અછતને કારણે સ્થિતિ તરત સુધરે તેમ જણાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *