કેન્દ્રની કેબીનેટ દ્વારા સમુદ્ર મંથન યોજનાથી જનતાના ભાગે ઝેર અને અદાણીના ભાગે અમૃત આવશે : શક્તિસિંહ

Spread the love
એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ

ભાજપની સરકારની યોજના દેશ હિત માટે નહીં પરંતુ માત્ર મિત્ર અદાણીના હિત માટે જ હોય છે : પ્રથમ ફેઝમાં જ ૮૪,૦૮૪ કરોડ રૂપિયા પ્રાઈવેટ બીઝનેસમેનને સરકાર આપશે : ઓઈલ શોધવા માટે સરકારના જાહેર સાહસ ઓએનજીસીને રૂપિયા આપવાના બદલે પ્રાઈવેટને લાભ સરકાર આપશે : દરિયામાં કૂવો કરે તેને ૫૦ ટકા મળશે : દરિયામાં કૂવો થયો કે નહીં ? કેટલો ઊંડો થયો ? તે સામાન્ય વ્યક્તિ જોઈજ ના શકે માટે ભય મુક્ત ભ્રષ્ટાચાર થશે.

નવી દિલ્હી 

એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુંકે ભાજપની કેન્દ્ર સરકરની કોઈ પણ યોજના (સ્કીમ) નીતિગત ફેરફાર કે નાણાની ફાળવણી દેશના વિકાસ, યુવાનોના રોજગાર, કૃષિ કલ્યાણ, નાના ઉદ્યોગ કે આમ નાગરિકના ફાયદા માટે નથી હોતી પરંતુ માત્ર પોતાના જ મિત્રના ફાયદા માટે હોય છે.તાજેતરમાં ભાજપની કેન્દ્ર સરકારે “સમુદ્ર મંથન” નામની યોજના જાહેર કરી છે. આ યોજના ૮૪,૦૮૪ (ચોર્યાસી હજાર ચોર્યાસી) કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની યોજના છે. આ સમુદ્ર મંથનમાંથી દેશની જનતાના ભાગે ઝેર અને અદાણીના ભાગે અમૃત આવશે.

ભૂતકાળમાં જયારે હાલના પ્રધાનમંત્રીશ્રી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ગુજરાતમાં જીએસપીસી (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) દ્વારા આજ પ્રકારે ૨૭,૦૦૦ (સત્તાવીસ હજાર) કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો. CAG દ્વારા આ ભ્રષ્ટાચારની સિલસિલા બંધ વિગતો CAGના રીપોર્ટમાં જાહેર કરવામાં આવી હતી. એક ટીપું પણ ઓઈલ કે ગેસ મળ્યો નહીં અને મોટા ભાગના કૂવા દરિયામાં બનાવ્યા તે કાગળ પર જ હતા.

હવે ૧ ઓગસ્ટના રોજ ભાજપની કેબીનેટ દ્વારા સમુદ્ર મંથન યોજના મંજુર કરી છે. આ યોજનામાં ૮૪,૦૮૪ કરોડ રૂપિયા ફળવાયા છે. પ્રાઇવેટ પ્લેયર્સ ગેસ કે ઓઈલ શોધવા માટે જે ખર્ચ કરે તેના ૫૦% સીધા સરકાર એ પ્રાઇવેટ બિજનેસમેન અથવા કંપનીને આપી દેશે. એક કૂવો જેનો ખર્ચ રૂપિયા ૬૭૫ કરોડ ગણવામાં આવે અને તેના ૫૦% સરકાર સીધે સીધા પ્રાઇવેટ વ્યક્તિને આપશે. આ એક એવું ષડયંત્ર છે કે મધ્ય દરિયે કૂવો બન્યો કે બન્યો નથી ? કેટલો બન્યો ? તે સહજતાથી કોઈને ખબર પણ ન પડે અને તેની તપાસ પણ ન થઈ શકે.આખી યોજના પ્રધાનમંત્રીશ્રીના મિત્ર અદાણીના લાભાર્થે બની હોય તેમ સ્પષ્ટ જણાય છે. અમે જે મુદ્દા ઉપસ્થિત કરીએ છીએ તેમાં ક્યાંય ખોટું હોય તો સરકાર આ બાબતે એક મંચ પર ચર્ચા કરે એવી માંગણી છે.

અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ (AWEL) બનેલી છે. જેમાં અદાણી ગ્રુપનો હિસ્સો ૬૫% અને વેલસ્પન ગ્રુપનો હિસ્સો ૩૫% છે. આ કંપની ૨૦૦૫માં બનેલી પણ કોઈ ખાસ કામ કરેલ નથી. હવે મુંબઈ ઓફશોર બેઝીનમાં બી-૯ બ્લોક, એમ.બી.ઓ.એસ.એન-૨૦૦૫/૨ અને કચ્છમાં જી.કે-ઓ.એસ.એન-૨૦૦૯/૧ બ્લોક એમ ત્રણ બ્લોક આ કંપની પાસે છે. આ બ્લોકમાં થોડું જ કામ કરેલું છે પરંતુ કંપનીએ એવી જાહેરાત કરી છે કે ૨૦૨૯ સુધીમાં મોટાપાયે ઓઈલ અને ગેસ માટેના કૂવાઓનું ખોદાણ કંપની કરશે. અદાણી વેલસ્પન કંપનીની વેબસાઈટ ઉપર મેનેજીંગ ડાયરેક્ટ શ્રી સંદીપ ગર્ગની પોસ્ટ છે કે, કંપનીને હરણફાળ ભરવા માટે સરકારની ઓઈલ અને ગેસ સેક્ટરમાં જે પોલિસી છે તેનો ખુબ ફાયદો મળશે.

સમુદ્ર મંથનની યોજનામાં ઓઈલ અને ગેસ મળે તો તેની કોમન પાઈપલાઈનનો ઉલ્લેખ છે. જે પણ અદાણીના લાભાર્થે જ છે. કારણકે અદાણીની કંપનીએ જે થોડોઘણો ગેસ કે ઓઈલ મળે તો તેના માટે કોમર્શિયલ વાયેબલ પાઈપલાઈનના બદલે સરકારની મદદથી કોમન શેરીંગ પાઈપલાઈન ઉપયોગમાં આવી શકશે.ભારત દેશમાં જે સમુદ્ર કિનારો છે તેમાંથી ઓઈલ અને ગેસ શોધવા માટેની જવાબદારીનું કામ સરકારના જાહેર સાહસ ઓ.એન.જી.સી. (ONGC) ને સોપવું જોઈએ. ઓ.એન.જી.સીને ૮૪,૦૮૪ કરોડ સરકાર આપે. ઓ.એન.જી.સી. નો ટ્રેક રેકોર્ડ અને અનુભવ ખુબ સારો છે. પ્રાઇવેટ કંપનીને ૫૦% શા માટે? પ્રથમ ફેઝમાં ૨૦૩૧ સુધીમાં ૮૪,૦૮૪ કરોડ વાપરવાના છે. તો આ ટુંકા સમયમાં ઓઈલ અને ગેસ માટે સંશોધનકામ કરનાર અન્ય કોઈ નવા પ્લેયર આવી શકવાના નથી. અદાણીના ચાલુ કામ અને બ્લોકના લાભાર્થે આખી યોજના બની હોય તેમ સ્પષ્ટ જણાય છે.

કોંગ્રેસની માંગણીઓ છે કે,

(૧) સમુદ્ર મંથન યોજના તાત્કાલિક ધોરણથી રદ કરવામાં આવે.

(૨) ૮૪,૦૮૪ કરોડ જેવી માતબર રકમ પ્રાઈવેટ કંપનીઓને શા માટે?

(૩) ૮૪,૦૮૪ કરોડ ઓઈલ અને ગેસ શોધવા માટે ONGCને આપવામાં આવે.

(૪) ગુજરાતમાં GSPCમાં ૨૭ હજાર કરોડ ખર્ચીને એક પણ ટીપું ઓઈલ કે ગેસ ન મળ્યો તે અંગે CAG એ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તેની જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે.

(૫) દેશમાંથી જ મળતા ઓઈલ અને ગેસના જથ્થામાં છેલ્લા ત્રણ વર્ષમાં કેમ ઘટાડો થયો?

(૬) દેશના યુવાનો ખુબજ બેરોજગાર છે ત્યારે રોજગાર ઉત્પન્ન થાય તેવા કામોના બદલે ૮૪,૦૮૪ કરોડ રૂપિયા પ્રાઈવેટ કંપનીઓને કે જે કામમાં કોઈ રોજગાર ઉત્પન્ન થવાનો નથી તેને શા માટે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *