જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલા વાહન ભાડા પેટે માત્ર ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો અને આજે તે ખર્ચ માં 47 લાખ રૂપિયાનો અચાનક જ વધારો થઈ ગયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરએ ભાજપના શાસકો સામે કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢવાસીઓએ ભાજપ પર વિશ્વાસ મૂકી 60 માંથી 54 બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજય બનાવ્યા. હવે આજ શાસકો દ્વારા જુનાગઢના લોકોની પરસેવાની કમાણીના ટેક્સના રૂપિયા કેવો વેડફાટ થાય છે તેનો વરવો નમૂનો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2016-17માં વાહન ભાડા પેટે મહાનગરપાલિકાએ રૂપિયા 365601 ચૂકવ્યા હતા. ચાલુ વર્ષે આ બજેટમાં વાહન ભાડા પેટે રૂપિયા 25 લાખની જોગવાઇ કરેલ હતી. તે તમામ રૂપિયા માત્ર છ માસમાં જ વાપરી નાખ્યા અને આવનાર 6 માસ માટે બાકીના રૂ.25 લાખ માટે વાહન શાખાએ એકાઉન્ટ શાખાને અને એકાઉન્ટ શાખાએ સ્ટેન્ડિંગને દરખાસ્ત કરી દીધી છે. સ્ટેન્ડિંગ કે આ 25 લાખ રૂપિયા રીઝર્વ ફંડમાંથી કે જે આવશ્યક સમયે જ ઉપયોગમાં લેવાતું હોય છે તેમાં સાત કરોડ પડેલ છે તેમાંથી વાહન ભાડા પેટેના 25 લાખ રૂપિયા મંજૂર કરવાનો કારસો તૈયાર કરી નાખ્યો છે.
કાલે સ્ટેન્ડિંગની બેઠક છે અને તેમાં આ ખર્ચને મંજૂર કરવાની શાસકોએ તૈયારી કરી લીધી છે ત્યારે કોંગ્રેસના મહિલા નગરસેવકે આ ગતિવિધિઓ ખુલ્લી પાડી દીધી છે. મહાનગર પાલિકા પાસે સેંકડો વાહનો છે છતાં પણ પોતાના મળતિયાઓ મારફત અંગત આર્થિક લાભ માટે આ કારસો રચવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મહાનગરપાલિકાના ભાજપના શાસકો લોકોની સુખાકારીમાં વધારો થાય તેને બદલે પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા પર પોતે પાછલા બારણેથી ખિસ્સા ભરતાં હોય તેઓ ઘાટ સર્જાઈ રહ્યો છે. જેમાં એક ફોર વ્હીલ વાહનનું ભાડું માસિક 45 હજાર લેખે ચૂકવવામાં આવે છે. આવા 8 વાહનો હાલમાં ભાડે રાખેલા છે જે વાહનોમાં અધિકારીઓ ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરે જવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જૂનાગઢવાસીઓ કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે છતાં પણ ખરાબ રસ્તાઓ ફિલ્ટરનું વગરનું પાણી સફાઇ સહિતના પ્રશ્ને અનેક હાડમારીઓનો સામનો કરી રહ્યા છે તેના ઉકેલને બદલે આવા અંગત આર્થિક લાભ માટે ડીઝાઈનો બનાવી રહ્યા છે. પીજીવીસીએલ દ્વારા વાહનો ભાડે રાખવામાં આવે છે તેમાં વાહન માલિકને એક ફોર વીલનું 35000 ભાડું ચૂકવવામાં આવે છે અને માસિક ત્રણ હજાર કિ.મી ચલાવવાની હોય છે પરંતુ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા 45000 ભાડું અને માસિક 2500 કિમી જ ચલાવવાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે જેથી ચોક્કસ એક વાત સાબિત થાય છે કે મનપાના શાસકોને વાહન ભાડે આપતી કંપની સાથે ક્યાંકને ક્યાંક સાઠ ગાંઠ ધરાવતા હોય તો જ આ શક્ય બને.