મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત સુજલામ-સુફળલામ જળ અભિયાન ચોથું ચરણ તા.૧ એપ્રિલથી ૧૦ જુન ૨૦૨૧ સફળતાપૂર્વક સંપન્ન

Spread the love

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વને પરિણામે સુજલામ સુફલામ જળ અભિયાનને ચોથા વર્ષમાં મળેલી સફળતા અભૂતપૂર્વ રહી છે. કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ૧લી મે ૨૦૧૮ના દિવસે ભરુચના કોસમડીથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરી રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે.
આ વર્ષે સતત ચોથા વર્ષે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સુજલામ સુફલામ જળ અભિયાને કોરોના વાયરસના સંક્રમણના વિપરિત સંજોગો હોવા છતા પણ જ્વલંત સફળતા મેળવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી કડીનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે ૦૧ એપ્રિલથી ૧૦ જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે.
આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે
આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી આ અભિયાનની તા. ૧૦ જૂને પૂર્ણ થયેલી આ અભિયાનની ચોથી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે.
એટલું જ નહીં, અગાઉના ત્રણ વર્ષના એટલે કે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષની કામગીરી વધારે છે.
આ અભિયાન અંતર્ગત ૨૦૧૮માં ૧૮,૫૧૫ કામો પૈકી ૭,૫૫૨ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૩,૫૦૦ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. લોકસભા ચુંટણીના વર્ષ ૨૦૧૯માં ૧૧,૯૦૧ કામો પૈકી ૪,૭૨૭ તળાવ ઉંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં ૧૦,૦૫૩ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાકાળના પ્રથમ વર્ષ ૨૦૨૦માં લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ૧૧,૦૭૨ કામો પૈકી ૪,૩૦૯ તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં ૧૮,૫૧૧ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો.
આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના તંત્ર માટે પડકાર રૂપ હતી, કેમ કે કોવિડ-૧૯ની મહામારી વચ્ચે આંશીક નિયંત્રણોની સ્થિતિમાં અનેક પડકારોની વચ્ચે આ અભિયાનને આગળ વધારવાનું હતું.
આ સ્થિતિમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સુજલામ સુફલામ જળ અભિયાન આગળ ધપાવવા વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિનો મહિમા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર તંત્રને પ્રેરિત કર્યું હતું
રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જેના પરિણામે છેલ્લા ચાર વર્ષમાં ૬૧,૭૮૧ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ વર્ષે કોરોનાના વિપરિત સંજોગોમાં પણ ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે
કોરોનાના સંક્રમણ વચ્ચે જળસંપત્તિ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રએ આ કોવિડ-૧૯ની આફતને અવસરમાં બદલવાનો પડકાર ઝીલી લીધો.
કોવિડ-૧૯ની મહામારીના આ કપરા સમયમાં શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય વહિવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આંશિક નિયંત્રણોની સ્થિતિમાં પણ ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૨૬.૪૬ લાખ માનવદિન રોજગારી નિર્માણ થયું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત ૧.૨૩ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે
શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રણ વર્ષની સતત જ્વલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.૦૧ એપ્રિલથી તા.૧૦ જુન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ચોથું સંસ્કરણ શરૂ કરાવ્યું હતું.
તદઅનુસાર, રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં ૧૦ જુન સુધીમાં ૧૫,૨૧૦ કામો પૂર્ણ થયા છે
આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં ૪,૮૧૪ તળાવો ઊંડા કરવામાં આવ્યા, ૪,૧૧૪ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, ૬,૯૧૭ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી.આ કામગીરીમાં એક જ દિવસમાં સૌથી વધુ મહત્તમ ૩,૦૦૭ એક્સ્કેવેટર/જે.સી.બી. મશીન અને ૧૪,૫૫૫ ટ્રેક્ટર/ ડમ્પરને મળીને કુલ ૧૭,૫૬૨ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
આ વર્ષે આદિજાતિ જિલ્લા દાહોદમાં સૌથી વધું ૩,૩૮૫ કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૨૭૭૦ લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની એક આગવી સિદ્ધિ છે.
રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને લોકોનો પણ ખૂબ જ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.
વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યભરમાં ૨૧,૪૦૨ તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે ૧૨,૨૨૧ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને ૩,૪૩૫ ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૬૧,૭૧૮ લાખ ઘનફૂટનો વધારો થયો છે
આ અભિયાનના ચાર વર્ષ દરમ્યાન એટલે કે ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા છે. તમામ જિલ્લાઓમાં ૫૬,૬૯૮ કામો પૂર્ણ કરી દેવાયા છે. ૫૦,૩૫૩ કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી છે
જેના પરિણામે રાજ્યભરમાં ૧૫૬.૯૩ લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે. આ તમામ કામગીરી માટે એક જ દિવસમાં મહત્તમ ૪,૬૯૯ જેટલા એક્ષકેવેટર, ૧૫,૨૮૦ ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વનતળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP/ STP તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇ જેવા કામો હાથ ધરાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ કામગીરીને કોરોના સંક્રમણ કાળમાં પણ સફળતાથી પાર પાડનારા સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com