ગુજરાત સરકાર સગર્ભા સ્ત્રીઓ તેમજ ધાત્રી માતાઓને નિશુલ્ક મચ્છરદાની આપવાની યોજના ચલાવે છે. પરંતુ દાહોદના ધાનપુર તાલુકામા આ યોજનાને કૌભાંડની યોજના બનાવી દેવાઇ છે. અહીંના સ્થાનિકોનો આક્ષેપ છેકે અહીંના જનરલ સ્ટોરમાં આ મચ્છરદાની રૂપિયા 150ની વેચવામાં આવી રહી છે. દાહોદના ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ખાતેના બુરહાની જનરલ સ્ટોર્સમાં સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને અપાતી નિશુલ્ક સરકારી મચ્છરદાની વેચાતી હોવાની વાત સ્થાનિકોને ખબર પડતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો.અને આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરાતા આરોગ્ય વિભાગે આ અંગે તપાસ હાથ ધરી હતી.
જો કે દુકાનદારે આ વાતનો ખોટી ગણાવીને પોતાનો લુલો બચાવ કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છેકે આરોગ્ય વિભાગની મિલિભગતથી આ સમગ્ર કૌભાંડ આચરાયુ છે. જેથી આ મામલે તપાસ થવી જરૂરી છે. જો કે આરોગ્ય વિભાગની ટીમે જ્યારે દુકાનમાં તપાસ કરી ત્યારે એકપણ મચ્છરદાની મળી ન હતી. જેથી આ અંગે જિલ્લા અધિકારીએ કેટલી મચ્છરદાની કોને વેચાઇ હતી તે અંગે તપાસ કરવાની વાત કરી છે. સરકાર સગર્ભા સ્ત્રીઓ તેમજ ધાત્રી માતાને મચ્છરદાની નિશુલ્ક આપે છે. પરંતુ તે ખરા અર્થમાં જરૂરીયાતમંદ સુધી પહોંચે તે જોવાની પણ જવાબદારી હોય છે. ત્યારે દાહોદમાં આ સરકારી મચ્છરદાની આ જનરલ સ્ટોરમાં રૂપિયા 150માં વેચાતી હોવાની વાતથી આ સમગ્ર યોજના ક્યાંકને ક્યાંક શંકાના ઘેરામાં આવી ગઇ છે ત્યારે આ યોજનાની તલસ્પર્શી તપાસ જરૂરી છે.