હરિયાણાના પંચકુલામાં જિલ્લા ગ્રાહક ફોરમે ગ્રાહક પાસેથી કેરી બેગના 8 રૂપિયા લેવા પર બિગ બજાર પર 11000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 1518 રૂપિયા ફરિયાદીને આપવામાં આવશે, જ્યારે 10,000 રૂપિયા કન્જ્યૂમર લીગલ એડ અકાઉન્ટમાં જમા થશે, જે ગ્રાહકોની મદદ માટે બનેલી સંસ્થા છે. પંચકુલા સેક્ટર 15ના રહેવાસી બલદેવ રાજે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી હતી કે ઈન્ડસ્ટ્રિયલ એરિયા સ્થિત બિગ બજારના એક સ્ટોર પર તેની પાસેથી કેરી બેગના 8 રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે તેમણે સવાલ કર્યા તો કોઈ સંતોષજનક જવાબ નહોતો આપવામાં આવ્યો જેની જાણકારી બિલમાં પણ નથી આપવામાં આવી. આ મામલો આ માર્ચ 2019નો છે, જેને લઈ બલદેવ અદાલતમાં ગયા હતા. અદાલતમાં બિગ બજાર તરફથી વકીલે દલીલ આપી કે તેમણે કોઈ ખોટોચાર્જ નથી લીધો. સ્ટોર પર સ્પષ્ટ પણે લખવામાં આવેલ છે કે કેરી બેગ માટે અલગથી રૂપયા ચૂકવવા પડશે. જ્યારે બલદેવે પોતાની દલીલો રાખી. ઉપભોક્તા અદાલતે કહ્યું કે કેરી બેગનો ચાર્જ લેવો ઠીક નહોતું. આવો જ એક મામલો આ વર્ષે ચંદીગઢમાં પણ સામે આવ્યો હતો. જ્યાં કેરીબેગના અલગથી ચાર્જ લેવા પર ગ્રાહક ફોરમે બિગ બજારને સેવામાં લાપરવાહીનો દોષી માનતાં કન્જ્યૂમર લીગલ એડ એકાઉન્ટમાં 10 હજાર રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.