ભારતમાં આર્થિક મંદીની લપડાક અલગ અલગ ક્ષેત્રોને વાગી રહી છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ સેવાઓનો વારો આવ્યો છે. ટૅલિકૉમ રેગ્યુલેટરી ઓથોરિટીએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ ફોનના વપરાશકર્તાઓની સંખ્યા 50 કરોડ 82 લાખથી ઘટીને 50 કરોડ 44 લાખ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ ફોનના વપરાશકર્તાઓની સંખ્યા ઘટવી એ પહેલી વખત નથી થયું. TRAIના આંકડા મુજબ આ વર્ષે ફક્ત જૂન અને જુલાઈ એમ બે જ મહિનામાં મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્યા વધી છે.
માર્ચ મહિનો મોબાઈલ કંપનીઓ માટે સૌથી ખરાબ રહ્યો હતો જયારે મોબાઈલ કંપનીઓએ 1 કરોડ 50 લાખ જેટલા ગ્રાહકો ગુમાવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરખર્ચનું પ્રમાણ પણ આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7 વર્ષના તળિયે પહોંચી ગયું છે. આ માટે નિષ્ણાતો ગ્રામ્ય વિસ્તારમાં બજારોમાં મંદી અને મજૂરીના વર્ષોથી ન બદલાયેલા ઓછા દરોને જવાબદાર ઠેરવે છે. આ સપ્ટેમ્બર ક્વાટરમાં ગ્રામ્ય વિસ્તારોની વેલ્યુએશનની માપદંડમાં 5%ની વૃદ્ધિ થઇ છે. આ આંકડો ગયા વર્ષ કરતા ખુબ ઓછો છે. ગયા વર્ષે ગામડાઓનો વૃદ્ધિદર 20% હતો. આ જ પ્રમાણે આ વર્ષે અર્બન ઇન્ડિયા એટલે કે શહેરી વિસ્તારોનો વૃદ્ધિદર 8% છે જે ગયા વર્ષે 14% હતો. જો કે એકંદરે દેશમાં મોબાઈલ વપરાશકર્તાઓનો આંકડો વધીને 1 અબજ 17 કરોડ સુધી પહોંચ્યો છે કારણ કે દેશમાં 26 લાખ મોબાઈલ વપરાશકર્તાઓ શહેરમાં વધ્યાં છે. મોબાઈલ વપરાશકર્તાઓ કરતા પણ વધુ ચિંતાજનક એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો લેન્ડલાઈન ટેલિફોન્સનો ઉપયોગ બંધ કરી રહ્યા છે. ટેલિફોનનું પ્રમાણ શહેરોમાં ચિંતાજનક રીતે ઘટ્યું છે જયારે હવે આ ટ્રેન્ડ ગામડાઓમાં ચાલુ થયો છે જેમાં દર મહિને લેન્ડલાઈન વપરાશકર્તાઓની સંખ્યા ઘટી રહી છે.