એક તરફ સરકાર ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો હોવાનો દાવો કરે છે તો બીજીતરફ જ્યાંથી આખા રાજ્યનો વહીવટ થાય છે તે સચિવાલયમાં જ અધિકારીઓ ખુલ્લેઆમ દારૂની બોટલો લઇ આવીને દારૂ પીતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલયમાં અધિકારી દારૂની બોટલ લઇ પહોચ્યા હતા અને ઉચ્ચ મહિલા અધિકારીએ પોલીસને જાણ કરીને પકડાવી દીધા હતા, જેની અદાવત રાખીને અધિકારી ગઇકાલે રાત્રે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મહિલા અધિકારીના ઘરે જઇને મહિલા અધિકારીને લાફો મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, આ ઘટના અંગે સોલા પોલીસે અધિકારી સામે ગુનો નોધી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં આર.સી.ટેકનીકલ રોડ પર શાયોના સિટી ખાતે રહેતા અને ગાંધીનગર જૂના સચિવાલયમાં નિયામક હિસાબ અને તિજોરી તરીકે નોકરી કરતા ચારુબહેન.એન. ભટ્ટે સોલા પોલીસ સ્ટેશનમાં તેમની ઓફિસમાં હિસાબી સંવર્ગ અધિકારી તરીકે નોકરી કરતા ઉમેશભાઇ મહેશભાઇ ઓઝા સામે ફરિયાદ નોંધાવી છે કે ઉમેશભાઇ ઓફિસમાં દારૂની બોટલ લઇને આવ્યા હતા જેથી તેઓએ પોલીસને જાણ કરતાં તેમની સામે ગાંધીનગર સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલ રાખવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને ગઇકાલે રાત્રે ૯ વાગે મહિલા અધિકારીના ઘરે ઉમેશભાઇ ઓઝા આવ્યા હતા અને ફરિયાદીની માતાને કહ્યું કે તમારી દિકારીએ મારી સામે દારૂ રાખવાનો કેસ કર્યો હતો. પરંતુ જુઓ હુ છુટીને આવી ગયો ત્યારબાદ મહિલા અધિકારીને કહ્યું કે હવે તેમ કઇ રીતે નોકરી કરી શકો એ હું જોઉં છું. હુ તમને જીવવા નહી દઉ હવે તા હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહી એકદમ ઉશ્કેરાઇ જઇને મહિલા અધિકારીને લાફો મારી ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયા હતા. મહિલા અધિકારીએ મહિલા હેલ્પ લાઇનમાં ફોેન કરતાં પોલીસ આવી પહોચી હતી ત્યારબાદ મહિલા અધિકારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઇ ઓઝા સામે ગુનો નોંધાવ્યો હતો. આ બનાવ અંગે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.પી.જાડેજાના જણાવ્યા મુજબ આરોપીની આજે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે વિજય રૂપાણીને પડકાર ફેંક્યો હતો કે જો ગુજરાતમાં દારૂ ન પીવાતો હોય તો હું મારૂં પદ છોડવા માટે તૈયાર છું. જે પછી આ વિવાદ વકર્યો હતો. પણ ગુજરાતમાં દારૂબંધી એ શોભાના ગાંઠીયા સમાન હોય તેમ છાશવારે પકડાયા રાખે છે.