ગાંધીનગર એલ.સી. બી-૧ પી. આઇ. જે.જી. વાધેલાની ટીમે રાજ્યમાં તરખાટ મચાવતી વાહનચોર ગેંગને ઝબ્બે કરી ૧૫ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લામાં ઉપરા ઉપરી વાહનચોરીના ગુનાઓમાં એકાએક ઉછાળો આવતા એલ. સી. બી-૧ પી. આઇ. જે. જી. વાઘેલાએ સ્ટાફને એલર્ટ કરી વાહનચોરીના ગુનેગારોને ઝડપી લેવાની તાકીદ કરી હતી જેનાં અનુસંધાને એલ. સી. બી-૧ ટીમના અનુભવી અને ચપળ કર્મીઓએ ઘનિષ્ઠ પેટ્રોલિંગ વધારી દીધું હતું તેમજ પોતાનાં બાતમીદારોને સક્રિય કરી દીધા હતા. આથી, સમગ્ર ટીમના સભ્યોએ ત્યારે દોડધામ મચાવીને મળેલ બાતમી અનુસાર રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલ બડગાંવ ગામના હરેશ સતરારામ ભીલ, અમરતા જવાનજી ભીલ તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાઈકની ચોરી કરીને રાજસ્થાન જઈને વેચી દે છે તેઓની સાથે એક અન્ય પ્રવીણ સતનાજી ભીલ પણ સામેલ હોવાનું ખૂલ્યું હતું.
આ બાબતે પ્રવીણ સતનાજી તેમજ અમરત હાલ ચોરીના બે બાઈકો સાથે કલોલથી રાજસ્થાન તરફ જવાના છે તેવી ચોક્કસ બાતમીને લઈને બન્ને શખ્સોને ઝડપી લીધાં હતાં.
તેઓની વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા તેઓએ તેમના સાથીદાર પ્રવીણ સાથે અમદાવાદ, પાલનપુર, મહેસાણા, સિધ્ધપુર, ઊંઝા,જેવા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ માસમાં જ બાઈકો ચોર્યાની કબૂલાત આપી હતી અને આ સર્વે ચોરીની બાઈકો રાજસ્થાનમાં જૂદી જૂદી જગ્યાએ વેચી દીધી હતી જેથી, આરોપીઓને સાથે રાખીને રાજસ્થાન જઈ પ્રવીણને ઝડપીને ૨૬ જેટલાં ચોરીના બાઇકો જપ્ત કર્યા હતા. આ ચોરીનો મુદ્દામાલ જેની કિંમત આશરે પાંચ લાખ વિશ હજારનો થવા જાય છે તે આરોપીઓ પાસેથી કબજે કર્યો છે. આ સિવાય પણ વધુ ગુનાઓ આરોપીઓની ઊંડી તપાસથી ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલ તો ૧૫ જેટલાં ગુનાનો ભેદ ખૂલવા પામ્યો છે