- 345 અરજીઓમાં FIR દાખલ : 190 જેટલા ગુનાઓમાં ચાર્જશીટ દાખલ અને 190 જેટલા કેસો નામદાર સ્પે. કોર્ટમાં રજૂ કરાયા.
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 6884 હજારથી વધુ અરજીઓમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ : રૂ. 730 કરોડની કિંમતની 76 લાખ 60 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ પુરવાર.
- જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે સ્પેશિયલ કોર્ટોની રચના.
- દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણુંક : આક્ષેપ પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શીરે રહેશે.
- લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ i-ORA પોર્ટલ પર ઓનલાઈન કરી શકાશે.
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના ગરીબ મધ્યમ વર્ગ અને નાના સીમાંત ખેડૂતોની જમીન પચાવી પાડનારા તત્વોને નશ્યત કરવા અને લેન્ડ ગ્રેબરોની શાન ઠેકાણે લાવવા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવ્યો છે જેનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજયના વિવિધ જીલ્લાઓમાં 345 જેટલી FIR દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રી પટેલે ઉર્મેયુ કે, રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ભૂમાફિયાઓને નાથવા માટે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ હેઠળ ગુજરાત સરકારે ટુંકા ગાળામાં સિમાચિન્હરૂપ કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ અરજીઓમાં સરકારી અને ખાનગી મળી કુલ 28 કરોડ 61 લાખ 80 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ થયું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તપાસબાદ આ પૈકી રૂ. 730 કરોડની કિંમતની 76 લાખ 60 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ પુરવાર થતાં 1178 વ્યક્તિઓ સામે 345 એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવી છે. જેમાંથી, 190 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉર્મેયુ કે રાજયમાં આ કાયદાના અસરકારક અમલીકરણ માટે સધન કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરીણામે ભૂમાફીયાઓ બચી શકશે નહીં. આ કાયદાની અસરકારક રીતે કડક અમલવારી કરવા સમયબધ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાકક્ષાએ કલેકટરશ્રીની અધ્યક્ષતામાં 7 સભ્યોની કમિટી આ કામગીરી કરી રહી છે. જેમાં વિશેષ કોર્ટની પણ રચના કરાઈ છે. આ કોર્ટ માત્રને માત્ર લેન્ડ ગ્રેબિંગને લગતા કેસો ચલાવશે. જેના પરીણામે કામગીરી વધુ સમયસર પૂર્ણ થશે. જે અંતર્ગત જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરાઇ છે. આ તમામ અરજીઓનો સત્વરે નિકાલ કરી જરૂરીયાતમંદોને તેમની જમીન પરત મળે તે માટે ત્વરીત પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે.
મંત્રીશ્રી પટેલે ઉર્મેયુ કે, કહ્યુ કે છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. પ્રોપર્ટી અને જમીનોના મૂલ્યમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થઇ છે. રાજયની આ અભૂતપૂર્વ પ્રગતિની તકોનો ગેરલાભ લેવા માટે સંગઠીત ભુમાફિયાઓ હિંસા, ધાક-ધમકી, છેતરપીંડી કે વિશ્વાસઘાત એટલે કે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રાજયની કિંમતી જમીનો પચાવી પાડવાની ગંભીર ઘટનાઓ ઘણી વધી રહી છે. હવે આ કાયદાને લીધે કિંમતી જમીનો પચાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભુમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડી રહ્યાં છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે મુખ્યત્વે સામાન્ય ખેડુતો, વેપારીઓ, તેમજ વ્યવસાયીઓનું ભુમાફિયાઓ દ્વારા શોષણ કરવામાં આવે છે અને આ ભૂમાફિયા ભય, હિંસા, છેતરપીંડી, ખોટા પાવર ઓફ એટર્ની, બનાવટી દસ્તાવેજો ઉભા કરવા, અભણ વ્યક્તિને ભોળવીને તેમની સહી મેળવીને ખોટા દસ્તાવેજો ઉભા કરવા, આવી વ્યક્તિઓની જમીન, મકાન કે દુકાન જેવી સંપત્તિઓ પચાવી પાડવી વગેરે જેવી અલગ અલગ ક્રિમીનલ મેથોડોલોજીથી સરકારી કે કોઇ ગરીબ ખેડૂતની કિંમતી જમીનો પચાવી પાડતા હોય છે. આ પ્રકારના ગુનાઓ દિવાની કાર્યવાહીને પાત્ર હોવાથી ન્યાયની અપેક્ષામાં પેઢીઓ સુધી રાહ જોતા રહેવા છતાં આવા ખેડૂતોને કે વેપારીઓને ન્યાય કે વળતર સમયસર મળતું નથી ત્યારે આવા તત્વોને કડકસજા કરાવવા માટે લેન્ડ ગ્રેબિંગનો આ કાયદો અસરકાર નિવડી રહ્યો છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે,રાજય સરકારે મહેસૂલી સેવાઓના લાભો નાગરિકોને સત્વરે મળી રહે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને i-ORA પોર્ટલ કાર્યરત કર્યુ છે જેના પરિણામે કામગીરીમાં ઝડપ આવી છે. લેન્ડ ગ્રેબ્રિગ એકટ અંગે પહેલા સંબંધિત કલેકટરશ્રીને અરજી કરવાની હતી હવે નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરાઈ છે આ માટે આ પોર્ટલ પર અરજી કરી શકાશે જેનો મહત્તમ લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો છે.