અમદાવાદ પાસે સરદારધામ ફેઝ-૨નું રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ભવનનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. આ ઉપરાંત રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે સમાજની ૨ હજાર ૫૦૦ દીકરી માટે તૈયાર થનારા કન્યા છાત્રાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ પણ કર્યો. અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ૧૧ હજાર ૬૭૦ સ્ક્વેર મીટર પ્લોટમાં આશરે ૭ લાખ સ્ક્વેર ફૂટના સરદારધામનુ નિર્માણ થયું છે. સરદાર ધામમાં ૪૫૦ વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને ૧ હજાર-૧ હજાર વ્યક્તિની ક્ષમતાના સાથેના બે હોલ પણ છે.સરદાર ભવનના બેઝમેન્ટમાં ૪૫૦થી વધુ કારનું પાર્કિંગ, ૫૦થી વધુ થ્રી-સ્ટાર રૂમ ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા છે. મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિ માટે ૮થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે. સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર વલ્લભભાઇની ૫૦ ફૂટ ઊંચી કાંસ્યની વિશાળ પ્રતિમા રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે સ્થાપિત કરાશે.સરદારધામમાં જ્યાં ૮૦૦ દીકરા-૮૦૦ દીકરી માટે અલગ છાત્રાલય અને ૧ હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઈ લાયબ્રેરી સાથેની લાયબ્રેરીની સુવિધા ઉભી કરાઇ છે. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.