ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે રાજ્યની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” એપ્લિકેશન શરૂ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઇ-સરકાર એપ્લિકેશનનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ : સુશાસન દિવસથી આ એપ્લિકેશનનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે : સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણ
આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર- ડીડીઓ કચેરી ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવા કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હોવાનું સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે.
મંત્રી શ્રી વાઘાણીએ ઇ-ગવર્નન્સ ઉપર ભાર મુકતા જણાવ્યું કે, આજે જ્યારે દેશ અને રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે એકતા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આજથી ઇ-સરકાર એપ્લિકેશનનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપાઈજીની ૨૫મી ડિસેમ્બરે જન્મ જયંતિ છે અને સુશાસન દિવસ પણ છે. તે દિવસથી આ એપ્લિકેશનનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી પણ કાર્યરત થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ઇ-સરકાર હેઠળ આરટીઆઇ અરજી કરવી, લોક ફરિયાદ કરવી તથા મુલાકાત માટે સમય મેળવવો જેવી નાગરિકલક્ષી સેવાઓ પણ આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનમાં નાગરિકોને તેમની કેટલીક જરૂરી વિગતો આપ્યા બાદ તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવવામાં આવશે. આરટીઆઇ અંતર્ગત નિયત ફી પણ નાગરિકો ઓનલાઇન ચૂકવણી કરી શકશે. વધુમાં નાગરિકોને આ એપ્લિકેશનના ઉપયોગ માટે જરૂરી ટેક્નિકલ મદદ પણ ચેટબોટના માધ્યમથી આપવામાં આવશે.
રાજ્યમાં વર્ષ ૨૦૦૫થી IWDMS નામની એપ્લિકેશન વહીવટી કામગીરી માટે ચાલુ છે. જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરીકોને તથા વહીવટી કચેરીઓના વડાઓને આ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના ઈ-ગવર્નન્સને આગળ ધપાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
***