પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. અકસ્માત પછી ડ્રાઈવર બસ મૂકી ભાગી છૂટ્યો હતો. પરંતુ તેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. અકસ્માતને પગલે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)એ બંધનું એલાન આપ્યું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બસોને રોકાવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જ્યારે એનએસયુઆઈ દ્વારા લો ગાર્ડન ખાતે બસ રોકવામાં આવી હતી અને ટાયરોમાંથી હવા કાઢી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના બીઆરટીએસ બસ સ્ટોપ પાસે એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાંથી પસાર થતી બસોને રોકાવી હતી. તો બે જેટલા કાર્યકરો બસ પર ચડી ગયા હતા અને બસ વ્યવહાર ખોરવી દીધો હતો. દરમિયાન ત્યાં દોડી આવેલી યુનિવર્સિટી પોલીસે એનએસયુઆઈ કાર્યકરોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. જો કે તેઓ ન માનતા આખરે પોલીસે ટીંગાટોળી કરીને પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતથી ખફા એનએસયુઆઈએ સવારે બસો બંધ કરાવવાનું શરૂ કરતાં શહેરના લો ગાર્ડન પાસે મુસાફરો રઝળી પડ્યા હતા. લોકોમાં તેને લઈને રોષ જોવા મળ્યો હતો. જોકે આ સિવાય અન્યત્ર રાબેતા મુજબ બસ સેવા ચાલી રહી છે.