ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા અને અમલીકરણના નામે કોઈ હિસાબ નહિ તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે’. નક્કર પગલાં કે કામગીરીમાં ના માનતી ભાજપ સરકારે ભૂતકાળમાં કરેલી વાતો અને વચનો હજુ સુધી પૂર્ણ કર્યા નથી અને આ વર્ષે ફરીથી માત્ર કાગળ પર મોટી મોટી વાતો અને જાહેરાતો કરી છે. કોરોનામાં અણઘડ વહીવટ, ગુન્હાહિત બેદરકારી અંગે એક સાંત્વનાના શબ્દ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગત બજેટમાં નાણામંત્રીએ ૨૨ લાખ રોજગારની વાતો કરી હતી, નવી નોકરી – રોજગાર તો ન મળ્યા, પણ જે રોજગાર હતા તે છીનવાઈ ગયા, અમદાવાદ – મહેસાણા – ૬ લેન હાઈવે ક્યા ગયા , ૬૦૦૦ ગામમાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ (રમત ના મેદાન) બનાવવાની જાહેરાતનું શું થયું , અમદાવાદ – વડોદરા – જેતપુરના ઔદ્યોગિક પ્રદુષિત પાણીના નિકાલ માટે ૭૨૮ કરોડનું શું કર્યું , પાઈપલાઈન થી પાણી – ૨૯૫ તળાવોમાં પાણી ભરવાની જાહેરાત હકીકત શું, હેરિટેજ સ્કુલોની જાહેરાત કેટલી વિકસાવી , ૫૬૧૨ સરકારી પ્રાથમિક શાળા બંધ કરવાના ર્નિણય અંગે કેમ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ચૂપ છે એક તરફ સ્કુલ ઓફ એક્સલેન્સની જાહેરાત બીજીબાજુ સરકારી શાળાઓને તાળા મારવાનું ભાજપા મોડલ ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે વધુ પાછળ ધકેલશે.મોંઘવારીમાં લોકોના બજેટ ખોરવાઈ ગયા છે ત્યારે આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો, ફીક્સ પગાર/કોન્ટ્રાક્ટ/ આઉટસોર્સીંગના કર્મચારીઓ, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વેતનમાં વધારો કરવા માટે બજેટમાં કોઈ જાેગવાઈ કરવામાં આવી નથી, જેના કારણે ગુજરાતના આવા લાખો કર્મચારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો, રાજ્યમાં મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફની મોટા પ્રમાણમાં અછત છે. રાજ્યની વધુમાં વધુ પ્રજાને આરોગ્યવિષયક સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં એકપણ નવા સામુહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કે જાેગવાઈ કરવામાં આવી નથી. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધે છે પરંતુ કુપોષણના નિવારણ માટે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં બજેટમાં જાેવા મળતા નથી.
પાંચ વર્ષમાં ૨ લાખ લોકોને સરકારી નોકરીની વાત કરી જે વાસ્તવિકતાથી દૂર છે. ૨૦ લાખ નવા રોજગાર ઉભા કરવાની વાતો છે. પરંતુ ઉદ્યોગોમાં અને ખાસ કરીને નાના મધ્યમ કદના ઉદ્યોગો, ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગોને પુનઃ જીવિત કરવા માટે કોઈ નક્કર વાત જણાતી નથી, તો નવો રોજગાર ક્યાંથી આવશે ગ્રામ વિકાસમાં નાણાં ફાળવણીમાં કોઈ વધારો નહિ ત્યારે આ વર્ષે પણ આટલી જ સામાન્ય ફાળવણી થી ગામડાઓમાં માળખાકિય સુવિધાઓ ક્યાંથી બનશે ચાલુ નાણાંકિય વર્ષમાં દેવામાં વધારો થયો છે. જે સામાન્ય રીતે ૩૦ થી ૩૫૦૦૦ કરોડ હોય છે. આમ સરકારનું કુલ દેવું અત્યારે ૩ લાખ કરોડનાં આંકડાને આંબી ગયું છે. સરકાર જુનુ દેવુ ચુકવવા નવુ દેવુ ઉભુ કરે છે. કુલ મહેસુલ ખર્ચના ૧૮ ટકા થી વધારે બજેટની રકમ સરકાર દેવાના વ્યાજમાં ચુકવે છે. આ વર્ષે ફાળવેલ બજેટની રકમો લગભગ ૨૫ ટકા થી વધુ વણ વપરાયેલી રહેશે.