પાણીનું મહત્વ સમજાવતા નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટની સવારે લાલ કિલ્લા પરથી જૈન મુનિ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ વિશે ઉલ્લેખ કર્યો. જાણીતા લેખક કુમારપાળ દેસાઈ કહે છે કે “એ જૈન મુનિએ સાબરમતી નદી વિશે બે હજાર કાવ્યો લખ્યાં છે. નરેન્દ્રભાઈએ તેમની પ્રતિમા રિવરફ્રન્ટ પર મૂકવી જોઈએ.”
“ઉત્તર ગુજરાતમાં એક તીર્થક્ષેત્ર છે મહુડી. જૈન સમુદાયના લોકો ત્યાં આવે છે.”
“અંદાજે સો વર્ષ પહેલાં ત્યાં એક જૈન મુનિ થઈ ગયા જેમણે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે.”
“તમે કલ્પના કરી શકો છો કે સો વર્ષ પહેલાં એક મૂનિ બુદ્ધિસાગરજી મહારાજ લખીને ગયા છે કે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે.”
“આજે આપણે પાણી કરિયાણાની દુકાનમાંથી ખરીદીએ છીએ. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ?”
ઉપરના શબ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 15મી ઑગસ્ટે પોતાના વક્તવ્યમાં કહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ દેશમાં પાણીની જે સમસ્યા છે એના સંદર્ભે બુદ્ધિસાગરજી મહારાજનો ઉલ્લેખ કર્યો હતો.
બુદ્ધિસાગરજી મહારાજ જૈન મૂનિ અને પટેલ પરિવારમાંથી આવતા હતા.
જૈન શાસ્ત્રના અભ્યાસુ અને ગુજરાતના જાણીતા લેખક કુમારપાળ દેસાઈએ બુદ્ધિસાગરજી મહારાજ વિશે જણાવતાં બીબીસીને કહ્યું:
“આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ વીજાપુરના કણબી પટેલ હતા.”
“તેમનું નામ બેચરદાસ હતું. જૈન સાધુ બન્યા પછી અને તેમનું નામ બુદ્ધિસાગર થયું.”
બેચરદાસમાંથી બુદ્ધિસાગર બનવાની કથા
તેઓ કઈ રીતે બેચરદાસ પટેલમાંથી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ બન્યા એ વિશે જણાવતા કુમારપાળ દેસાઈએ એક પ્રસંગ ટાંક્યો હતો.
“વીજાપુરમાં તેઓ એક વખત ભેંસ લઈને નીકળ્યા હતા, ત્યારે ભેંસ દોડતી-દોડતી બે સાધુઓ પર હુમલો કરવા જઈ રહી હતી.”
“બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનું શરીર ત્યારે પહેલવાન જેવું હતું.”
“એ વખતે તેમણે જોરથી ભેંસના બે શિંગડાં પકડી રાખ્યાં અને ભેંસને અટકાવી દીધી હતી. “
“એ વખતે પેલા સાધુએ કહ્યું કે બરાબર છે તારી પાસે બળ છે, પરંતુ આ બળ પૂરતું નથી, આંતરબળ એ મોટી વાત છે. “
“બેચરદાસને એમ હતું કે સાધુ શાબાશી આપશે પરંતુ આશ્ચર્ય થયું કે સાધુએ આમ કેમ કહ્યું! એ પછી તેઓ સાધુની પાસે ગયા અને આંતરબળ શું છે એ પૂછ્યું. “
કુમારપાળ દેસાઈ કહે છે, “આંતરબળ વિશે સમજ્યા પછી તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ અને સાધુ બન્યા હતા.”
“આમ તેઓ બેચરદાસ પટેલમાંથી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ બન્યા.”
બેચરદાસ પટેલની ઉંમર એ વખતે 25 વર્ષ હતી.
એ પછી તેમણે સાધુજીવનનાં 25 વર્ષ વિતાવ્યાં હતાં અને 1925માં તેમનો દેહોત્સર્ગ થયો હતો.
ભેંસવાળી ઘટનામાં જે બે જૈન મૂનિ હતા તેમાંના એક રવિસાગરજી મહારાજ પાસેથી દીક્ષા લઈને બેચરદાસ પટેલ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ થયા હતા.
130 ગ્રંથો લખ્યા, સાબરમતી નદી પર કાવ્યો
સાબરમતી નદી અને બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજના સાહિત્ય વિશે જણાવતા કુમારપાળભાઈએ કહ્યું હતું, “ઉત્તર ગુજરાતના વિવિધ ગામડાંમાં તેઓ ફર્યા હતા.”
“તેમણે પોતાનાં જીવનમાં 2000થી વધારે કાવ્યો લખ્યાં છે જેમાં સાબરમતી નદી વિશે સૌથી વધુ કાવ્યો હતાં.”
“તેઓ ઢીંચણ પર ડાયરી રાખતા અને કિત્તા દ્વારા તે લખતા હતા. તેમણે 130 જેટલા ગ્રંથ લખ્યા છે જે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં છે.”
“જોવાની વાત એ છે કે તેઓ માત્ર છ જ ચોપડી ભણ્યા હતા.”
“તેઓ અમદાવાદની નજીક પેથાપુર, મહુડી વગેરે સ્થળોએ સાબરમતીના કાંઠે વિહાર કરતા હતા અને એ દરમિયાન તેમણે કાવ્યો લખ્યાં હતાં.”
“સાબરમતી નદી વિશે બુદ્ધિસાગરજી મહારાજથી વધુ કોઈએ કાવ્યો લખ્યાં નથી. ખરેખર તો તેમની એક મૂર્તિ નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર મૂકવી જોઈએ.”
પાણી કરિયાણાંની દુકાને વેચાશે
બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે મહુડીમાં તીર્થની સ્થાપના કરી હતી.
એ વિશે જણાવતાં કુમારપાળ દેસાઈએ કહ્યું હતું, “ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં વીજાપુર પાસે આવેલા મહુડી ગામે તેમણે ઘંટાકર્ણ તીર્થની સ્થાપના કરી હતી.”
“તેમણે ભવિષ્યવાણી કરી હતી જે મહુડીમાં તીર્થમાં છે પણ ખરી કે ‘એક સમય એવો આવશે કે માણસ એક ખંડમાંથી બીજા ખંડમાં વાતો કરશે.’ “
“આ ભવિષ્યવાણી લખી ત્યારે કોઈને ખબર નહોતી કે એવી સ્થિતિ આવશે કે માણસ આ રીતે વાત કરી શકશે. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાનને કારણે આખા જગતમાં પરિવર્તન આવશે.”
એનો ઉલ્લેખ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજે ક્યારે કર્યો હતો એ વિશે જણાવતાં કુમારપાળ દેસાઈએ કહ્યું હતું:
“કોઈ ચોક્કસ ગ્રંથનું હું હાલ તો નામ આપી શકું એમ નથી, પરંતુ એવું તેમણે જરૂર કહ્યું હોઈ શકે કે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે.”
“એક વખત વરસાદ નહોતો પડતો ત્યારે તેમણે ઝટ વરસાદ વરસાવો એવું કાવ્ય પણ પ્રાર્થનારૂપે લખ્યું હતું.”
કુમારપાળ દેસાઈ કહે છે કે અનેક પ્રતિષ્ઠિત લોકોએ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ પ્રત્યે આદર પ્રગટ કર્યો હતો.
કુમારપાળ દેસાઈ કહે છે , “વડોદરાના મહારાજા સાયાજીરાવ ગાયકવાડે બુદ્ધિસાગરજી મહારાજ વિશે કહ્યું હતું કે જો તેમના જેવા વધુ કેટલાંક સાધુ હોત તો આ દેશનો ઉદ્ધાર થઈ જાત.”
કવિ ન્હાનાલાલે કહ્યું હતું,”આ કોઈ મહાન યોગી અને અવધૂત પુરૂષ છે.”
ભાષાવિદ્ તેમજ સંશોધક અને સંપાદક કેશવલાલ હર્ષદરાય ધ્રુવે બુદ્ધિસાગરજી મહારાજને અંજલિ આપતું પુસ્તક પણ લખ્યું છે.
તેઓ વીજાપુરમાં જન્મ્યા હતા અને તેમને દેહોત્સર્ગ પણ વીજાપુરમાં થયો હતો.
કુમારપાળ દેસાઈ જણાવે છે, “તેમની સમાધિ પણ વીજાપુરમાં છે. તેઓ મહુડી હતા અને તેમણે કહ્યું હતું કે મારે વિહાર કરવો છે.”
“બધાને આશ્ચર્ય થયું અને તેમનો દેહોત્સર્ગ વીજાપુરમાં થયો.”