ગાંધીનગર
ભારત સરકારના ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યોગ્ય તકો મળે તેમજ UPSCની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી શકાય. આ માટે ભારતની ૩૩ કેન્દ્રીય યુનિવર્સિટીઓને ડો.આંબેડકર એક્સલેન્સ સેન્ટર માટે પંસદ કરવામાં આવી છે. જે સંદર્ભે તા. ૨૨/૦૪/૨૦૨૨ના રોજ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસી ખાતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી વીરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય વચ્ચે એમઓયુ થયા હતા. જેમાં કુલપતિ પ્રો. રમાશંકર દુબે, કુલસચિવ પ્રો. એચ. બી પટેલ તેમજ નોડલ ઓફિસર પ્રો. રાજેશ મકવાણા ઉપસ્થિત રહ્યાં હતા.
આ કેન્દ્રમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા તા.૩૧ જુલાઇ ૨૦૨૨ના રોજ ગાંધીનગર સેકટર-૨૯ અને ૩૦ માં લેવાશે. આ પરીક્ષામાં કુલ ૧૨૪૮ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી મેરિટને આધારે ૧૦૦ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે અને વર્ષ દરમિયાન UPSCની નિશુલ્ક તાલીમ આપવામાં આવશે. આ માટે ભારત સરકાર દ્વારા કુલ ૫ વર્ષ માટે વર્ષે ૧ કરોડ એમ કુલ ૫ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.