રાજ્યના ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ૧૦૨૩ કરોડથી વધુની રકમ જમા થઈ
ગાંધીનગર
પ્રધાનમંત્રી કિસાન સંમેલન ૨૦૨૨ અંતર્ગત માન વડાપ્રધાનના વડપણ હેઠળ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના શુભારંભ કરાવવા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૨માં હપ્તાની ચુકવણી માટે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું પુસા ન્યુ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન દ્વારા આજે દેશમાં ૬૦૦ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર એ ખેડૂતો માટે વન સ્ટોપ સોલ્યુશનના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલું છે. જ્યાં ખેડૂતોને ખાતર, દવા, બિયારણ, સાધનો, કૃષિ સંલગ્ન માહિતી, સરકારી યોજના અંગેની માહિતી તેમજ જમીન ચકાસણી પ્રયોગશાળાની સુવિધાઓ મળી રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં પણ સમાંતર કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે રાજકોટ ખાતે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના શુભારંભ માટેના કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત અધિક મુખ્ય સચિવશ્રી (કૃષિ) અને મેનેજીંગ ડિરેકટરશ્રી જી.એસ.એફ.સી, શ્રી મુકેશપુરી, ચેરમેન એપીએમસી રાજકોટ, શ્રી જયેશભાઈ બોધરા, ખેતી નિયામકશ્રી, એસ.જે.સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દેવ ચૌધરી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અંદાજે ૧૦૦૦ કરતા વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.કૃષિ મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર ના લાભાલાભ, રાજય સરકારની વિવિધ કૃષિ લક્ષી કામગીરીનો ચિતાર આપ્યો હતો તેમજ સમયસર અને પુરતું રાસાયણિક ખાતર પુરુ પાડવા બદલ ભારત સરકારશ્રીના રસાયણ અને ખાતર મંત્રીશ્રી માંડવીયાજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં કુલ ૪૪ પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર અને ૩૦ કૃષિ વિજ્ઞાન કેંદ્ર પર યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા તેમજ ૧૭૨૯૦ કરતા વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સહકારી મંડળીઓ ખાતે પણ ખેડૂતોએ બહોળી સંખ્યામાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ.પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ આઠ કરોડથી વધુ ખેડૂતોના એકાઉન્ટમાં રુ ૧૬૦૦૦ કરોડ રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા છે જે પૈકી રાજ્યના ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા ૧૦૨૩ કરોડથી વધુની રકમ જમા થઈ છે આ ઉપરાંત પુસા ન્યુ દિલ્હી ખાતે ૩૦૦ જેટલા એગ્રી સ્ટાર્ટ અપ અંગે એક પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવેલું હતું .