ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવવા માટે ₹3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)બનાવવામાં આવશે
ગાંધીનગર
લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટની પ્રગતિ સમીક્ષા બેઠકમાં 18 ઓક્ટોબરના સાંજે 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સામેલ થશે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ પૈકી એક સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતત્વીય અવશેષો લોથલમાં સ્થિત છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોથલથી બેઠકમાં સામેલ થશે. તેમની સાથે કેન્દ્રીય બંદરો,શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મત્રી ડૉ. મનસુખ માંડવીયા અને કેન્દ્રીય બંદરો,શિપિંગ અને જળમાર્ગો તેમજ પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપ્રસાદ નાઇક પણ સામેલ થશે. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નખાયો હતો અને માર્ચ 2019માં આ યોજનાને મંજૂરી મળી હતી. આ કોમ્પ્લેક્સનું નિર્માણ ₹3500 કરોડના ખર્ચે થઇ રહ્યું છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિથી વર્તમાન સમય સુધીના સમૃદ્ધ દરિયાઇ વારસાને રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોથલ ખાતે 1955 થી 1960ના ગાળામાં ખોદકામ દરમિયાન આ પ્રાચીન બંદર શહેર મળી આવ્યું હતું, જે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી છે.આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ઝડપથી કામગીરી કર રહી છે. તેના માટે સ્ટેટ હાઇવે 1થી આ સાઇટ સુધીના 4 લેનના 11.58 કિમી લાંબા રોડની કામગીરી, સ્થળ પર પાણી અને 66 કેવી પાવર સપ્લાયની સહાયતા સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કા(ફેઝ 1-એ)માં મ્યૂઝિયમ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ હશે જેમાં 5 ગેલેરી, એક નેવલ ગેલેરી અને 35 એકર વિસ્તારમાં સંબંધિત કામગીરી કરવામાં આવશે. ₹774.23 કરોડના ખર્ચે તેને ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યુર્મેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન)ના માધ્યમથી તેને વિકસિત કરવામાં આવશે. ફેઝ-1બીમાં બેલેન્સ ગેલેરી, લાઇટ હાઉસ, 5-ડી ડોમ થિયેટર વગેરે રહેશે. બીજા તબક્કામાં સ્ટેટ્સ પેવેલિયન, લોથલ શહેર, હોસ્ટેલની સુવિધા ધરાવતી મેરીટાઇમ સંસ્થા, ઇકો રેસોર્ટ્સ, ક્લાઇમેટ ચેન્જ થીમ પાર્ક, મોન્યુમેન્ટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. લોથલને પ્રવાસીઓ માટે એક નવા આંતરરાષ્ટ્રીય સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રયાસોથી વૈશ્વિક સ્તરે જાણીતા સંગ્રહાલયોની યાદીમાં લોથલ સામેલ થશે તેમજનિક અર્થતંત્રને વેગ મળશે અને આસપાસના ગામડાઓમાં વિકાસની નવી દિશાઓ ખુલશે.