અમદાવાદ
શેઠ મા.જે. પુસ્તકાલયનું આજે રૂા. ૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરાયું. શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળે તેમાં રૂા. ૮૦ લાખના નવીન આયોજનો સામેલ કર્યા.આજના ડિજિટલ યુગમાં શેઠ મા.જે. પુસ્તકાલય/શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ૭.૦૦ લાખથી વધુ પુસ્તકો અને ૨૨,૦૦૦ સભાસદોના ડેટા રૂા.૩૦.૦૦ લાખના ખર્ચે RFID System થી સજ્જ કરવાનું આયોજન. શેઠ મા.જે. પુસ્તકાલયમાં E-Resources Subscribe કરવા રૂા.૫.૦૦ લાખનું આયોજન સાહિત્યપ્રેમી નગરજનો માટે વિવિધ પ્રકારના રૂા. ૨૧.૦૦ લાખના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન છે.
શેઠ મા.જે. પુસ્તકાલયમાં મેયર કિરીટકુમાર પરમારની અધ્યક્ષતામાં આજરોજ મળેલ અંદાજપત્રની ખાસ સભામાં ગ્રંથપાલશ્રી ડૉ. બિપીન મોદીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂા.૧૫ કરોડ ૦૩ લાખ ૩૫ હજારના રજૂ કરેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા રૂા.૮૦ લાખના નવીન આયોજનો સામેલ કરી રૂા.૧૫ કરોડ ૮૩ લાખ ૩૫ હજારનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. આ નવીન આયોજનો અમદાવાદ મહાનગરના સાહિત્યપ્રેમી નગરજનોને ઉપયોગી થવાના હેતુથી નક્કી કરવામાં આવેલ છે.
શેઠ મા.જે. પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા મેયરે જણાવ્યું હતું કે, મા.જે. પુસ્તકાલય તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોનો દૈનિક સરેરાશ ૨,000થી વધુ વાચકો લાભ લે છે. મા.જે. પુસ્તકાલયમાં તા.૦૧-૦૬-૨૦૨૧થી ડિજિટલ લાયબ્રેરીનો પ્રારંભ કરવામાં આવેલ છે, તેના ભાગરૂપે શેઠ મા.જે. પુસ્તકાલય / શાખા પુસ્તકાલયોમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID Systemથી રૂા.૩૦.૦૦ લાખના ખર્ચે સજ્જ કરવાનું તેમજ વિદ્યાર્થીઓ માટે E-Resources Subscribe કરવા રૂા.૫.૦૦ લાખનું આયોજન કરેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં આવતા સાહિત્યરસિકો સાથે પરસ્પર તાદાત્મ્ય સધાય તે હેતુથી સાહિત્યગોષ્ઠિ, શિયાળુ સત્રમાં ત્રિદિવસીય સાહિત્ય રસોત્સવ, કવિ ‘શૂન્ય’ પાલનપુરીની જન્મશતાબ્દી નિમિત્તે કવિ સંમેલન, અમદાવાદ શહેરમાં હેરીટેજ મૂલ્ય ધરાવતા ઐતિહાસિક સ્મારકો સન્મુખ તેને અનુરૂપ કાર્યક્રમો, પરદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોના જીવન-કવન અને સર્જનયાત્રાથી શ્રોતાગણ પરિચિત થાય તે હેતુથી ‘ગુજરાતી ડાયસ્પોરા’ સાહિત્ય વિમર્શ તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા સાંસ્કૃતિક સહિત સાહિત્યિક કાર્યક્રમો માટે અંદાજપત્રમાં રૂા.૨૧.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
હેરીટેજ સીટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ મહાનગરની ઐતિહાસિક ઝાંખીથી શહેરમાં આવતા દેશ-વિદેશના પર્યટકો, સંશોધકો અને વાચકો પરિચિત થાય તે માટે રૂા.૫.૦૦ લાખનું તેમજ નવઆગંતુકો પુસ્તકાલયની કાર્યપધ્ધતિ અને સેવાઓથી અવગત થાય તે માટે શેઠ મા.જે. પુસ્તકાલયમાં કર્ણાવતી સાંસ્કૃતિક માહિતી કેન્દ્ર અને સ્વાગત પ્રતિષ્ઠાન બનાવવા માટે રૂા.૫.૦૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે. મા.જે. પુસ્તકાલયના ઉપભોક્તાઓ ગુજરાતના ગૌરવવંતા મહાનુભાવોની જીવનયાત્રાથી પરિચિત થાય તેમજ સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે માટે તેમના જીવન-કવનની ઝાંખી દર્શાવતા કાયમી પ્રદર્શન માટે રૂા.૨.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયમાં વાચકોની સુવિધા મુજબનું ફર્નિચર વસાવવા રૂા.૫.૦૦ લાખનું, પુસ્તકાલય બાહ્ય રીતે નયનરમ્ય બને અને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે તેમજ પરિસરમાં ગ્રીનરી અને સ્ટ્રીટ લાઈટ માટે રૂા.૫.૦૦ લાખનું આયોજન કરવામાં આવેલ છે.શહેરના નાગરિકોમાં કુદરતી સ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અંગે જાગરૂકતા આવે તે હેતુથી પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ પર પરિસંવાદ માટે રૂા.૨.૦૦ લાખનું, સમાજના લોકો છેતરપીંડીનો ભોગ ન બને તેમજ નાણાંની સલામતી સધાય તે હેતુથી ‘Cyber Security Awareness’ સેમિનાર માટે રૂા.૩.૦૦ લાખનું જ્યારે વિદ્યાર્થીનીઓ અને મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમ માટે રૂા.૨.૦૦ લાખનું તેમજ મ્યુ. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને પુસ્તકાલયની સેવાઓથી પરિચિત કરાવવા રૂા.૨ લાખનું બજેટમાં આયોજન કરવામાં આવેલ છે.
અંદાજપત્રની સભામાં સ્કૂલબોર્ડ ચેરમેનશ્રી ડૉ. સુજય મહેતા, વિદ્વાન સભ્યો કિશોરભાઈ મકવાણા અને ડૉ. હેમન્ત ભટ્ટ સહિત અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.