ઊભા પાકમાંથી પાણીનો નિકાલ કરવા, પિયત કે યુરિયા ખાતર ન આપવા, ખેત પેદાશ સુરક્ષિત રાખવા સહિતની બાબતો પર તકેદારી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
અમદાવાદ
હવામાન ખાતાના અહેવાલ મુજબ આગામી તારીખ ૧૫ જૂન તથા ૧૬ જૂનના રોજ અમદાવાદ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ દર્શાવેલ છે, જેને ધ્યાને લઇ ખેડૂતોને પાક સબંધિત કાળજી રાખવા જિલ્લા ખેતીવાડી વિભાગ, અમદાવાદ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
જિલ્લા ખેતીવાડી વિભાગ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, હાલમાં જિલ્લામાં પિયતની સુવિધા હોય તે જગ્યાએ બી.ટી. કપાસ / ઘાસચારા તથા શાકભાજી પાકોમાં નવીન વાવેતર થયેલ હોય તેવા પાકોમાં વરસાદી પાણી ભરાઇ ન રહે તે હેતુસર વરસાદ થયેથી કયારા તોડી સત્વરે પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવી જેથી પાણી ભરાવાના કારણસર પાક નિષ્ફળ જવાની શકયતાને નિવારી શકાય. વધુમાં, ખેડૂતો દ્વારા સંગ્રહિત કરેલ ઘાસચારો જે ખુલ્લામાં રાખેલ છે, તે ઘાસચારો સલામત જગ્યાએ ખસેડવો અથવા ભારે પવન અને વરસાદથી ઘાસચારો સુરક્ષિત રહે તે રીતે તાડપત્રીથી ઢાંકી દેવો જેથી વરસાદી પાણ જેથી ભારે પવન તથા વરસાદથી થનાર સંભવિત નુકસાનને ટાળી શકાય.
વરસાદના દિવસો દરમ્યાન ઊભા પાકોમાં પિયત ટાળવું તથા યુરીયા જેવા રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું જોઈએ સાથે જ ઊભા પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવો નહીં.એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા જરૂરી તમામ પ્રકારનો પ્રબંધ કરવા માટે તમામ માર્કેટયાર્ડને વિનંતી છે તથા શકય હોય તો આ આગાહીના દિવસો દરમ્યાન જણસીની હરાજીની કામગીરી બંધ રાખવા અથવા હરાજીની કામગીરી શેડ નીચે ગોઠવવા અનુરોધ કરવામાં આવે છે જેથી ખેડૂતોના ખેત ઉત્પાદનને નુકસાનથી બચાવી શકાય. વધુમાં, ખેડૂતો દ્વારા એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી ખેતપેદાશોને તાડપત્રીથી ઢાંકીને જ લઇ જવા આગ્રહભરી વિનંતી છે. પશુઓ માટેના ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે સુનિશ્ચિત કરવું. બિયારણ અને ખાતર જેવા ખેતી ઇનપુટનો જથ્થો સુરક્ષિત રાખવો. ખેતરની કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય.વાવાઝોડાની આગાહી ધ્યાને લેતાં, વીજળીથી માનવ નુકસાન ન થાય તે હેતુસર આ દિવસો દરમ્યાન ખુલ્લામાં મોબાઇલનો ઉપયોગ ન કરવા તેમજ સદર દિવસો દરમ્યાન કામ સિવાય બહાર ન નીકળવા તેમજ સુરક્ષા કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવા ખેતીવાડી વિભાગ, અમદાવાદ દ્વારા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.