દેશની લશ્કરની માહિતી પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISIને મોકલવા બદલ ત્રણ આરોપીને આજે સેશન્સ કોર્ટ ખાતેની સ્પેશિયલ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે, જેમાંથી બે આરોપી અમદાવાદના જમાલપુરના અને એક આરોપી રાજસ્થાનના જોધપુરનો છે. ત્રણેય આરોપીની અમદાવાદ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2012માં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદના બે આરોપીને જમાલપુર બ્રિજ નીચેથી તેમજ એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
સરકારી વકીલ ભરત પટણીએ જણાવ્યું હતું કે આ કેસમાં કોર્ટ દ્વારા કુલ 75 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. કેસની વિગતમાં અમદાવાદના જમાલપુરનો રહેવાસી આરોપી સિરાજુદ્દીન 2007માં પાકિસ્તાનના કરાંચીમાં જઈને તૈમુર નામના ISI એજન્ટને મળ્યો હતો, જ્યારે રાજસ્થાનનો નૌશાદ અલી 2009માં પાકિસ્તાનના હૈદરાબાદમાં જઈને ISI એજન્ટ તૈમુર અને તાહિરને મળ્યો હતો.
અમદાવાદમાં જમાલપુરમાં રહેતા આરોપી સિરાજુદ્દીન અને સાકીરની પૈસા લેવા જતી વખતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે જગ્યાએથી આરોપીઓએ પૈસા ઉપાડ્યા એ સાયબર કાફેમાં જઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ક્રીન શોટ લેવામાં આવ્યા હતા. આ આરોપીઓ પાકિસ્તાનના ISI એજન્ટને ભારતની લશ્કરી માહિતી પૂરી પાડીને પૈસા મેળવતા હતા. આરોપીઓએ વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર દ્વારા 1.96 લાખ અને મનીગ્રામ દ્વારા 6 હજાર એમ કુલ 2 લાખ રૂપિયા ISI પાસેથી મેળવ્યા હતા.
અમદાવાદના આરોપી સિરાજુદ્દીનના ઘરની તપાસ કરતાં અમદાવાદ કેન્ટોનમેન્ટનો નકશો મળી આવ્યો હતો, જ્યારે રાજસ્થાનના નૌશાદે રાજસ્થાનના જોધપુર કેન્ટોનમેન્ટની અને BSF હેડક્વાર્ટરની માહિતી ISI એજન્ટને મોકલીને પૈસા મેળવતો હતો. આરોપીઓએ રાજસ્થાન, અમદાવાદ અને ગાંધીનગર મિલિટરી કેમ્પની રેકી કરી હતી. આ માહિતી આરોપીઓએ ત્રણ વર્ષ સુધી આ માહિતી ISIને મોકલી હતી.
જજ એ.આર.પટેલે ચુકાદામાં મહત્ત્વનું અવલોકન કર્યું હતું કે આરોપીઓને દેશ પ્રત્યે નહીં, પરંતુ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છે. આરોપીઓને દુબઇથી લાખો રૂપિયા આવતા હતા. આવા લોકોએ દેશ છોડીને પાકિસ્તાન જતા રહેવું જોઈએ, નહીં તો સરકારે તેમને શોધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. આવા લોકોને ઓછી સજા કરવી તે પણ દેશવિરોધી પ્રવૃત્તિ જ ગણાય એવું કોર્ટ માને છે. IPC 121 અંતર્ગત આવા આરોપીઓને દેહાંત દંડ અથવા આજીવન કારાવાસની સજા આપી શકાય, પરંતુ આ કેસમાં હજી સુધી દેશના નાગરિકોને નુકસાન થયું નથી, જેથી આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં, આથી દેહાંત દંડ આપવામાં આવતો નથી.
આરોપીઓને 1860 IPCની કલમ 121, 120 (બી)મુજબ આજીવન કેદ, કલમ 123 અંતર્ગત 10 વર્ષની સજા, ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923ની કલમ 03 મુજબ 14 વર્ષની કેદ અને IT એક્ટ 2000ની કલમ 66 મુજબ સજા કરવામાં આવે છે. આ ઉપરાંત આરોપીઓને પાંચ-પાંચ હજારના દંડ પેટે કુલ 20 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે. જો એ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની જોગવાઈ કરવામાં આવી છે.