અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના સકંજામાં એક મહિલા આવી છે, જે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બની ગઇ છે. મહિલાનો પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે તેણે દારૂનો ધંધો કરીને પરિવારને પણ ડુબાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાતે ઘરમાં રેડ કરીને મહિલાને 2.56 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી છે કે, સરદારનગર વિસ્તારમાં આવેલી રમેશ દત્ત કોલોનીમાં રહેતી ગીતા યોગેન્દ્રસિંગ દારૂનો ધંધો જોરશોરથી કરી રહી છે. બાતમીના આધારે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને ગીતા યોગેન્દ્રસિંગની ધરપકડ કરી લીધી હતી. રેડ દરમિયાન SMCની ટીમને દારૂની 855 બોટલો મળી આવી છે, જેની કિંમત 2.56લાખ રૂપિયા થાય છે.SMCએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગીતા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ગીતાએ અજય નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. ત્યાર બાદ વેચવાનું શરૂ કરી દીધું હતું. ગીતાના પતિ યોગેન્દ્રસિંગ આર્મી જવાન છે અને તે ગુજરાત બહારના રાજ્યમાં ડ્યૂટી કરે છે. યોગેન્દ્રસિંગ પાસે દારૂ પીવાની પરમિટ હોવાથી ગીતા દારૂ મંગાવતી હતી અને છૂટાછવાયા ગ્રાહકોને વેચતી હતી. દારૂના ધંધામાં વધારે રૂપિયા મળે છે તેવું વિચારીને ગીતાએ બુટલેગર બનવાનું નક્કી કરી લીધુ હતું. ગીતાએ પહેલાં નાના પાયે દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. સમય જતાં ગીતાને રૂપિયા કમાવવાનો નશો એટલો વધી ગયો કે તેણે વધારે દારૂનો જથ્થો મંગાવવાનું શરૂ કરી દીધું હતું. ગીતાના ઘરે જે દારૂડિયો દારૂ લેવા માટે જતો હતો તેણે જ SMCને બાતમી આપી હતી. બાતમીના આધારે SMCએ રેડ કરી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SMCના ડીવાયએસપી કે.ટી. કામિરયાએ જણાવ્યું છે કે, ગીતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગીતાના ઘરે કયા પોલીસ કર્મચારીઓ આવતા હતા, કેટલા ગ્રાહકો આવતા હતા તેનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજ જોતાં સામે આવે તેવી શક્યતા છે. સીસીટીવી ફૂટેજમાં ખાસ કરીને પોલીસ કર્મચારીઓની સંડોવણીના મામલે તપાસ કરવામાં આવશે.