ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક સ્તરે ટાંટિયાખેંચમાં રાજકારણ ગરમાયું છે. ભ્રષ્ટાચાર પર પીએમ નરેન્દ્ર મોદીની ઝીરો ટોલરન્સ પોલિસી પર સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે રાજકારણીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું રાજ્યમાં ફરી કંઇક મોટું થવાનું છે? ભાજપમાં હાલમાં ભૂકંપ જેવો માહોલ છે કયા સમયે કોની વિકેટ પડશે એના અનુમાનથી નેતાઓ ફફડી રહ્યાં છે. ભાજપ માટે હંમેશાં ઓગસ્ટ- સપ્ટેમ્બર ભારે રહે છે. આનંદીબેન અને રૂપાણીએ પણ આ મહિનામાં ખુરશી છોડી હતી. હવે વાઘેલાના રાજીનામા બાદ હવે સવાલો ઉઠી રહ્યાં છે કે શું ભાજપનો ભૂતકાળ રીપિટ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત બાદ ગુજરાત ભાજપ લોકસભાની ચૂંટણી માટે કમર કસી રહ્યો હતો, પરંતુ ઓગસ્ટની શરૂઆતથી જ પાર્ટીમાં આંતરકલહ અને જૂથવાદ ચર્ચામાં છે. પાવરફુલ જનરલ સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલાની વિદાય બાદ હજુ ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી હોવાનું કહેવાય છે. આવા સંજોગોમાં મોટો પ્રશ્ન એ છે કે શું ગુજરાત ભાજપમાં ફરી એક વાર કંઇક મોટું થવાનું છે? છેલ્લા સાત-આઠ વર્ષમાં નજર કરીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં મોટા ફેરફારો જોવા મળે છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ફરી પાર્ટીમાં કોઈ ફેરફાર થવાનો છે?
ગુજરાતની રાજનીતિમાં સૌથી શક્તિશાળી મહિલા ગણાતા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઓગસ્ટ મહિનામાં વિદાય આપવામાં આવી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ 7 ઓગસ્ટ 2016ના રોજ 2 વર્ષ અને 77 દિવસ બાદ તેમણે ખુરશી છોડવી પડી હતી. ત્યારે અચાનક વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છતાં નીતિન પટેલ એ સમયે રેસમાં આગળ હતા. આ પછી વિજય રૂપાણી આગામી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. 2017ની મુશ્કેલ ચૂંટણીમાં તેઓ સત્તા પર પાછા ફર્યા પરંતુ વિજય રૂપાણીએ સપ્ટેમ્બર 2021માં રાજીનામું આપવું પડ્યું. 13 સપ્ટેમ્બર 2021 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારધામ ખાતે આયોજિત એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ વિજય રૂપાણી સીધા રાજભવન પહોંચી ગયા હતા અને રાજીનામું સુપરત કર્યું હતું. આ પછી સમગ્ર કેબિનેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. 13 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બાગડોર સંભાળી હતી. રાજકીય ઉથલપાથલ ઉપરાંત ગુજરાત પાટીદાર આંદોલન વર્ષ 2015માં જુલાઈ-ઓગસ્ટમાં શરૂ થયું હતું.
ગુજરાતમાં ભાજપ સૌથી મજબૂત છે. ભાજપ લોકસભાની તમામ બેઠકો ધરાવે છે અને વિધાનસભામાં 156ની રેકોર્ડ બ્રેક બહુમતી ધરાવે છે. ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફારો થઈ શકે છે તેવી ચર્ચા સૌની વચ્ચે છે. રાજ્યના વડા સીઆર પાટીલે 20 જુલાઈએ તેમનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ કર્યો છે. હજુ સુધી પાર્ટીએ સ્પષ્ટ કર્યું નથી કે શું તેઓ વધુ એક ટર્મ માટે પ્રમુખ તરીકે ચાલુ રહેશે કે પછી તેમની જગ્યાએ કોઈની નિમણૂક કરવામાં આવશે? પાટીલે પેજ કમિટિનો ઉપયોગ કરીને પક્ષને મજબૂત કર્યો તો બીજી તરફ તેમણે અલગ પ્રકારની પાર્ટીમાં શિસ્ત ઊભી કરી છે, પરંતુ આ શિસ્ત હવે તૂટતી જોવા મળી રહી છે.
પ્રદીપસિંહ વાઘેલાએ પણ 2 દિવસથી મીટિંગો આવીને એ સાબિત કરી રહ્યાં છે કે જાણે કંઈ પણ થયું નથી. ગુજરાત ભાજપની યાદવા સ્થળીમાં હાલમાં પાટીલ વિરોધી જૂથનો હાથ ઉપર રહ્યો છે પણ વારા પછી વારો અને તારા પછી મારાની જેમ પાટીલ જૂથ ચૂપચાપ સહન કરે તેવી સંભાવના પણ ઓછી છે. પાટીલના ખાસ ગણાતા પ્રદીપસિંહના રાજીનામા બાદ હાલમાં વિરોધી જૂથમાં ખુશીનો માહોલ છે પણ પ્રદીપસિંહે વાયદો કર્યો છે કે તેઓ આ અગ્નિપરીક્ષામાંથી સાંગોપાંગ બહાર આવશે. હવે તો સમય જ બતાવશે આગળ શું થાય છે પણ ભાજપમાં હાલમાં આંતરિક વિખવાદ કોંગ્રેસ કરતાં પણ ચરમસીમાએ છે.