દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે ‘સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ’ની ઉજવણી હેઠળ ‘હર ઘર તિરંગા’નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ અભિયાન હેઠળ બીએમસી દ્વારા લોકોને પોતાના ઘર પર તિરંગો અને એ લગાડવા માટે લાકડીનું ફ્રીમાં ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું હતું, પણ આ વર્ષે એને માટે પચીસ રૂપિયા લેવામાં આવશે.
આઝાદીના ૭૬મા વર્ષે ઇન્ડિયા પોસ્ટ દ્વારા ફ્લૅગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ કે. કે. શર્માના જણાવ્યા મુજબ રાજ્યની દરેક પોસ્ટ ઑફિસમાંથી ફ્લૅગનું વિતરણ કરવામાં આવશે, જે માટે પચીસ રૂપિયા આપવાના રહેશે. વળી એ ઑનલાઇન www.epostoffice.gov.in પર પણ ખરીદી શકાશે. એ સિવાય રેલવે સ્ટેશન અને સ્કૂલ સહિત કેટલીક હાઉસિંગ સોસાયટીમાં પણ એનું વિતરણ કરવામાં આવશે.
હર ઘર તિરંગા અભિયાનને ગયા વર્ષે બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઘર, ઑફિસો, દુકાનો, રેલવે સ્ટેશન એમ અનેક જગ્યાએ લોકોએ ફ્લૅગ ફરકાવીને પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. નાનાં બાળકોથી લઈ આબાલવૃદ્ધો બધાં જ એ અભિયાનમાં હોંશે-હોંશે જોડાયાં હતાં.